રમેશ પટેલ (Ramesh Patel)‘આકાશદીપ’
વાહ શૂન્ય -
કવિલોકને વૈવિધ્યસભર નવીન રચનાઓ પૂરજોશે પહોંચાડનારા પ્રિય કવિઓ એવા રમેશભાઈ પટેલ ‘આકાશદીપ’ અને ડૉ. જગદીપભાઈ નાણાવટીએ આ અઠવાડિયામાં મોકલેલાં બન્ને કાવ્યો જોગાનુજોગ શૂન્યથી શરૂ થાય છે.. તો માણો રમેશભાઈની રચના!
શૂન્ય હું શોધું તને, ક્યાં છૂપાયું તું જગે
ધારું તને હું શુન્ય તો, તું વિરાટ થઈ હસે
કહે બધા શૂન્યના સરવાળા કરે કંઈ ના વળે
જો શૂન્યની અવગણના કરો, પૂર્ણ વિરામ પામો તે ક્ષણે
ના મને ઉમેરી શકો કે ના બાદ કરી શકો તમે
પણ જો સાથ દો મને, ખુદ મૂલ્યવાન થઈ જાશો તમે
શૂન્યમાં શું છે કે કંઈ નથી, એ સમજાતું નથી મને
શૂન્યમાં સૂતું છે વિશ્વ, વિલય સર્જન સંગે જગે રમે
શૂન્ય છું ભાઈ શૂન્ય, પણ અજાયબ શક્તિ છું
શૂન્ય દિસે અવકાશ એટલે તો હું અનંત છું
શૂન્ય એ શૂન્ય જેવું, તમે સમજો તેમ નથી એ
શૂન્યમાંથી સુષ્ટિ રચાઈ ને શૂન્યમાં જઈ વિરમે
શૂન્ય છું ભાઈ શૂન્ય, ના હસો વિરમો જરા
આતમનો એકડો લોપાશે, તો તમે પણ શૂન્ય છો ભલા
વાહ! શૂન્ય! શૂન્ય સમજી જ્યારે વિચાર્યું
તું અસ્તિત્વ થઈને સામે ઊભું
શૂન્ય તને કેવી રીતે શૂન્ય કહું
વિરાટનું લઘુ રુપ લઈ તું અવતર્યું
રમેશ પટેલ ‘આકાશદીપ’
અવિનાશી અજવાળું - રમેશ પટેલ ‘આકાશદીપ’
નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહિયારું
મારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી અજવાળું
ઋતુ ઋતુના ચક્રે ખીલતું, નીત નવું નજરાણું
સાગર ખોળે ગિરીને ટોચે, સર્જન રમે રુપાળું
પ્રસન્ન પુષ્પે ઝૂમે મનડાં, પહેરી પ્રેમ પટોળું
ષટ્રરસ ધારાએ ધરણી ધરતી સૌને સરખું વાળું
આ જગ સૌનું સહીયારું
પુનીત પ્રભાતે ઉષા સંગે, દિવ્ય ચેતના ઓઢું
બ્રહ્માંડના મંગલ આશીષ પામી, નિશદીન હું હરખું
માનવ જન્મ મોંઘેરો મળીયો, આત્મ ચિંતને માણું
સત્સંગના પાવન પ્રેમ પ્રકાશે, અંતર મન અજવાળું
આ જગ સૌનું સહીયારું
નિર્મળ ભક્તિ દૈવિ શક્તિ, સુખ દાતાનું ભરણું
કરુણા અભય વરદાને ઉજવીએ, શાન્તી પર્વ નું ટાણું
આકાશદીપ વદે પ્રેમ દિવડે, કલ્યાણ જ્યોત જગાવું
ખીલવી અવનીએ ભારતીય સંસ્કૃતિ, અમર આશ અજવાળું
નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહીયારું
રમેશ પટેલ ‘આકાશદીપ’
Click
here for more poems by Rameshbhai
વસંત - રમેશ પટેલ ‘આકાશદીપ’
વસંત
સજ્યા શણગાર ભરી રંગો ભરપૂર
મલકે છે મુખ નીરખી કુદરતનું રુપ
ખોબલે ખૂલ્યા આજ ખૂશીના ખજાના
આજ વાયા છે વાયરા વસંતના
સુગંધી સમીરે દીધા સંદેશ ચોદીશ
કેસુડાના રંગો છલક્યા ચોદીશ
મીઠા લાગ્યા છે મને ટહૂંકા કોયલના
આજ વાયાછે વાયરા વસંતના
રુપરંગે ખીલ્યાછે પુષ્પો ને પર્ણ
ભમરાઓ ભમતા આજે કુસુમોને દલ
સરોવર હીંચોળે છે ગુલાબી પોયણાં
આજ વાયા છે વાયરા વસંતના
ઋતુરાજની શોભાથી શોભે છે અવની
લીલીછમ વેલીઓને ફૂલની રંગોળી
મરકે છે હોઠ રતુંબલ યૌવનના
આજ વાયાછે વાયરા વસંતના
વિહંગ સંગ ઝૂમે મસ્તીથી મંજરી
ગાતી રે ગીત છૂપા ઝૂમતી કળી
સૂણજો રે સૂર મારા દિલડાના
આજ વાયાછે વાયરા વસંતના
રમેશ પટેલ ‘આકાશદીપ’
આઝાદી - રમેશ પટેલ (Ramesh Patel)
ઉપાસના કાવ્યસંગ્રહમાં “ઉપાસના”ને આવકારો આપતાં શ્રી દોલત ભટ્ટ લખે છે: કવિ આ સંગ્રહમાં બહુધા વતનપ્રેમ, દેશભક્તિ અને શૌર્યનું રસપાન કરાવવાનો પ્રબળ પુરુષાર્થ કરી શબ્દ ગુંથણી કરી કેટલેક અંશે સિધ્ધિના શિખર સર કરે છે. મા ભોમ પ્રત્યેની ભારોભાર ભાવનાથી ભિંજાઈ “રણભેરી” રચનામાં તેમની કલમ શૌર્ય પાન કરાવતા કથે છે :
આ ધરણીએ પાયા પ્રેરણાના પાન, જાગો રે જાગો મા ભોમના સંતાન આતતાયી ઠેરઠેર ખેલે રે અગન, મસ્તકે કફન બાંધી ખેલો રે જવાન.
આજે 15 મી ઓગષ્ટ 2007 ના રોજ ભારત ભોમને આઝાદી મળ્યે 60 વર્ષ પૂરાં થાય છે. આ નિમિત્તે કવિલોક મા ભોમ પ્રત્યેની શુભભાવનાથી ભિંજાઈ શુભકામનાઓ પાઠવે છે ને વાચકોને ઉપાસના કાવ્યસંગ્રહમાંથી આઝાદી અને રણભેરી કાવ્યકૃતિઓ પીરસે છે.
1- આઝાદી
જનજનની શક્તિ ઊભરી, વતનને દીધી આઝાદી
વીરોની આ ભૂમિ ભારતી, ગજગજ ફૂલવે છાતી
રંગ દીઠા સવા સવૈયા, આઝાદીના મહા લડવૈયા
જનમભૂમિનાં રતન રૂપાળાં, પ્રગતિપંથના ખેવૈયા
સાગર ઘૂઘવે ગગન ગજવતો, સોમથી બાંધી નાતો
લીલાછમ લહેરે વગળાં ખેતરો, પંખી ગાતાં ગીતો
વતન અમારું પ્યારું પ્યારું,
શૌર્ય શક્તિથી શોભે
અહીંયાં આદર સ્નેહ સમર્પણથી યશપતાકા લહેરે આભે
આકાશ આંબશું મહાશક્તિથી, કરી નૂતન યુગ મંડાણ
ધીંગી ધરાના સંસ્કાર શોભાવી પથ્થરે પૂરશું પ્રાણ
દઈ પડકારો રંગે રમશું, માપશું નયા આયામ
ગાંધી રાહે દોરી જગને માતૃભૂમિને કરશું સલામ
આઝાદ દિન પંદરમી ઓગષ્ટ, આનંદ અંતરે ઝૂમે
અણમોલ અમારી આઝાદી, ભારતનો ત્રિરંગો રંગે પ્રેમે
2- રણભેરી
વાગે રણભેરી ને ગાજતું ગગન, ના
ઝૂકજે દેખી દુશ્મનોનાં દમન
તારો ભરોસો રે ભગવાનને અટલ, અપલક અવનિ નીરખે તારું શૂરાતન
જુસ્સાથી જંગ તમે ખેલજો જવાન, દીધી છે આણ ધરી સૂરજની
શાખ
ગજાવજો સમરાંગણ શૌર્યથી દિનરાત, રચજો કીર્તિગાથા માભોમને રે કાજ
માનવતાએ આજ દીધો તુજને મહાસાદ, યુધ્ધ એજ માનજો હવે કલ્યાણ
જુલ્મોને આપવા સવાયો જવાબ, સમરાંગણે શૂરાઓ આજ કરજો પ્રયાણ
દાવપેચી દુશ્મનોએ ધરિયાં બહુરૂપ, શતરંજની ચાલથી ખેલશે રે
દાવ
શૌર્યથી શોભાવજો સિંહકેસરીની કાયા, ધર્મપથથી રાહે ઝીલજો રે ઘાવ
આ ધરણીએ પાયાં પ્રેરણાનાં પાન, જાગો રે જાગો મા ભોમના સંતાન
આતતાયી ઠેરઠેર ખેલે રે અગન, મસ્તકે કફન બાંધી ખેલો રે જવાન
સુણજો માભોમના અંતરના સાદ, જંગમાં ઝુકાવો લાલ કરતા સિંહનાદ
ધ્રુજાવજો ધરણી ને શત્રુઓના હામ, રખોપા કરજો તમે ભારતીના લાલ
દીઠા તારા બાહુમાં હસ્તીનાં રે બળ, રોમરોમ
પ્રગટે સાવજના શૌર્ય
મહા ભડવીર હૈયામાં રાખજો રે હામ, હાક દેજો માનવતાની રાખવાને લાજ
રમેશ પટેલ ‘આકાશદીપ’
કાવ્યસંગ્રહ: ઉપાસનામાંથી સાભાર
ચાની રંગત - રમેશ પટેલ (Ramesh Patel)
ચાની રંગત
હું નગરચોકનો ચાવાળો, ટી-હાઉસનું પાટિયું ઝુલાવું
એવી ચા બનાવું કે હેરત પામે પીવાવાળો
ચાલો આજ સૌ ચાની રંગત માણો
કોઈક માગે કડકી-મીઠી, તો કોઈ માગે મોરસ વિનાની
કોઈ કહે સ્પેશીયલ લાવો, તો કોઈને ગમે ઈલાયચીવાળી
ચોકલેટ ટી ભૂલકાઓ માગે, મોટા માંગે ફૂદીનાવાળી
ચાલો આજ સૌ ચાની રંગત માણો
કોઈ પીવડાવે ચૂંટણી જીતવા, તો કોઈ નાના મોટા કામે
કોઈ પીવડાવે ગામ ગપાટે, ને બાદશાહીની થાતી બોલબાલા
આજ ઘર હોય કે ઓફિસ, ચાની ફેશન નીકળી ભારી
ચાલો આજ સૌ ચાની રંગત માણો
સવાર થાય ને સૌને સાંભરે, પ્રભાતિયાની જેમ
ના મળે તો ઝગડો જામે, જોવા જેવી થાય
આખા દિવસની રંગતની થઈ જતી હોળી
ચાલો આજ સૌ ચાની રંગત માણો
ભેળા થાય ભાઈબંધો કે સાહેલીનાં ટોળાં,
મળી જાય મોંઘેરા મહેમાન કે આડોશી પાડોશી
એક મસાલેદાર ચા વગાડે સ્નેહ ઢોલનો ડંકો
ચાલો આજ સૈ ચાની રંગત માણો
કોઈ પીએ છે ઊંઘ ઉડાડવા, તો કોઈ તાજગી માટે
ચાના બંધાણીની ચા છે રાજરાણી રૂપાળી
મોંઘવારીના જમાનામાં અડધી ચા પણ દીઠી કમાલ કરતી
ભોજન ખર્ચ બચાવી જાણે, ઈજ્જત બક્ષે રસીલી
ચાલો આજ સૌ ચાની રંગત માણો
રમેશ પટેલ ‘આકાશદીપ’
કાવ્યસંગ્રહ સ્પંદનમાંથી સાભાર
