ગુજરાતી કવિઓ
ગુજરાતી ગઝલ
અન્ય સાહિત્ય કવિલોક બ્લોગ
ગુજરાતી ગીત-કવિતા
ભજન-કિર્તન ગુજરાતી વેબસાઇટ્સ લેખ-નિબંધ

Typing Gujarati on your computer is easy. Click here to get started.

નાનાલાલ દલપતરામ કવિ (Nanalal Dalpatram Kavi)

     ઉપનામ

  • ગુજરાતના મહાકવિ

જન્મ

  • માર્ચ 16, 1877 અમદાવાદ

અવસાન 

  • જાન્યુઆરી 9, 1946 અમદાવાદ

કુટુમ્બ

અભ્યાસ  

  • 1893- મેટ્રિક (અમદાવાદ)
  • 1899 - બી.એ. -તત્વજ્ઞાન સાથે, અમદાવાદ, એલ્ફિન્સ્ટન કોલેજ મુંબાઇ અને પુનાની ડેક્કન કોલેજ માં અભ્યાસ  
  • 1901- એમ.એ. -  ઇતિહાસ સાથે (પૂના, મુંબાઇ)
For Full Details, please visit Gujarati Sarswat Parichay
http://sureshbjani.wordpress.com/2007/05/28/nhanalal/

 
અસત્યો માંહેથી

છંદ: શિખરિણી
     
પ્રભો અંતર્યામી  જીવન જીવના  દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા  હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.

સૌ અદભુતોમાં તુજ સ્વરૂપ  અદભુત નીરખું,
મહા જ્યોતિ જેવું  નયન શશી ને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું  આકાશ  ભરતો,
પ્રભો એ સૌથીએ  પર પરમ  હું  દૂર ઊડતો.

પ્રભો તું આદિ છે  શુચિ પુરુષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોનો  અહર્નિશ  ગોપાલ  તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.

પિતા છે  એકાકિ  જડ  સકળને  ચેતન તણો,
ગુરૂ છે મોટો છે  જનકુળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જ સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી  અધિક પછી તો કોણ જ હશે.

વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે  વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ  નમસ્કાર જ હજો.

અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ! લઈ જા,
તું-હીણો હું છું તો  તુજ દરશનાં દાન દઈ જા.

પિતા! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી  સકળ નદીનાં  તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની  સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ! મહાસાગર ભણી.

થતું જે કાયાથી, ઘડીક ઘડી  વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે  ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી,  શુભ અશુભ જે  કાંઈક  કરું,
ક્ષમાદષ્ટે જોજો,  તુજ ચરણમાં નાથજી! ધરું.
                
નાનાલાલ દલપતરામ કવિ


હરિ! આવોને!- ન્હાનાલાલ કવિ

આ વસન્ત ખીલે શતપાંદડી, હરિ! આવોને!
આ સૃષ્ટિએ ધરિયા સોહાગ; હવે તો હરિ! આવોને!

આ વિશ્વ વદે છે વધામણી, હરિ! આવોને!
આવી વાંચો અમારાં સૌભાગ્ય; હવે તો હરિ! આવોને!

આ ચન્દરવો કરે ચન્દની, હરિ! આવોને!
વેર્યાં તારલિયાનાં ફૂલ; હવે તો, હરિ! આવોને!

પ્રભુ પાથરણાં દઇશ પ્રેમનાં, હરિ! આવોને!
દિલ વારી કરીશ સહુ ડૂલ; હવે તો હરિ! આવોને!

આ જળમાં ઊઘડે પોયણાં, હરિ! આવોને!
એવા ઊઘડે હૈયાના ભાવ; હવે તો હરિ! આવોને!

આ માથે મયંકનો મણિ તપે, હરિ! આવોને!
એવા આવો જીવનમણિ માવ! હવે તો હરિ! આવોને!

આ ચન્દની ભરી છે તલાવડી, હરિ! આવોને!
ફૂલડિયે બાંધી છે પાજ; હવે તો હરિ! આવોને!

આ આસોપાલવને છાંયડે, હરિ! આવોને!
મનમહેરામણ મહારાજ! હવે તો હરિ! આવોને!

મ્હારે સૂની આયુષ્યની શેરીઓ, હરિ! આવોને!
મ્હારે સૂની સૌ જીવનની વાટ; હવે તો હરિ! આવોને!

મ્હારા કાળજ કેરી કુંજમાં, હરિ! આવોને!
મ્હારા આતમ સરોવરઘાટ; હવે તો હરિ! આવોને!

- ન્હાનાલાલ કવિ

મ્હારા કેસરભીના કંથ હો!- ન્હાનાલાલ કવિ

મ્હારા કેસરભીના કંથ હો! સિધાવજો રણવાટ,

આભ ધ્રૂજે, ધરણી ધમધમે, રાજ, ઘેરા ઘોરે શંખનાદ,
દુંદુભિ બોલે મહારાજના હો! સામંતના જયવાદ.- મ્હારા …

આંગણ રણધ્વજ રોપીયા, રાજ, કુંજર ડોલે દ્વાર;
બંદીજનોની બિરદાવલી હો! ગાજે ગઢ મોઝાર: - મ્હારા ….

પુર પડે દેશ ડૂલતા, રાજ, ડગમગતી મ્હોલાત;
કીરત કેરી કારમી હો! એક અખંડિત ભાત: - મ્હારા….

નાથ! ચડો રણઘોડલે, રાજ, હું ઘેર રહી ગૂંથીશ;
બખતર વજ્રની સાંકળી, હો! ભરરણમાં પાઠવીશ:- મ્હારા…

સંગ લીયો તો સાજ સજું, રાજ, માથે ધરું રણમોડ;
ખડગને માંડવ ખેલવા, હો ! મારે રણલીલાના કોડ:- મ્હારા…

આવતાં ઝીલીશ બાણને, રાજ, ઢાલે વાળીશ ઘાવ;
ઢાલ ફૂટે મારા ઉરમાં હો! ઝીલીશ દુશ્મન દાવ:- મ્હારા…

એક વાટ રણવાસની , રાજ, બીજી સિંહાસન વાટ;
ત્રીજી વાટ શોણિતની સરિતે હો! શૂરાનો સ્નાનઘાટ:- મ્હારા…

જય કલગીએ વળજો, પ્રીતમ, ભીંજશું ફાગે ચીર;
નહીં તો વીરને આશ્રમ મળશું હો! સુરગંગાને તીર :- મ્હારા…

રાજમુગુટ રણરાજવી, રાજ, રણઘેલો રણધીર;
અધીરો ઘોડલો થનગને નાથ! વાધો રણે મહાવીર:- મ્હારા…

ગુજરાતી કવિતામાં શૌર્યગીતો ઘણાં ઓછાં રચાયા છે. ન્હાનાલાલ જેવા પ્રેમ અને ભક્તિરસના કવિએ આવી રચના પણ કરેલી છે, તે જાણી આપણને આ મહાકવિને શત શત પ્રણામ કરવાનું મન થઇ આવે છે.

_________________________________________________________
પાર્થને કહો ચડાવે બાણ


પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
કહો, કુંતાની છે એ આણ, પાર્થને કહો ચડાવે બાણ
 
ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી કીધાં સુજનનાં કર્મ
આર્યસુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ
સજીવન થાય પડ્યાયે પ્હાણ … પાર્થને કહો ચડાવે બાણ
 
દ્રૌપદીની હજી વેણ છૂટી છે રાજસભાના બોલ
રણનોતરાંના ઉત્તર દેજો રણધીરને રણઢોલ
પાર્થની પ્રત્યંચાને વાણ … પાર્થને કહો ચડાવે બાણ
 
મેહુલો બોલે, વાયુ હુંકારે, ત્યમ તલપો સિંહબાળ
યુગપલટાના પદ પડછન્દે, ગજવો ઘોર ત્રિકાળ
સજો શિર વીર ! હવે શિરત્રાણ … પાર્થને કહો ચડાવે બાણ
 
નૃલોક જોશે, કાળ નીરખશે, રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં, હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ … પાર્થને કહો ચડાવે બાણ
 
વિધિનાં એ જ મહાનિર્માણ, પાર્થને કહો ચડાવે બાણ

નાનાલાલ દલપતરામ કવિ

Comments (1)