Gujarati Kavita by Dr Dilip Patel, USA

આજ પોયરાને પંદરમું બેઠું

આજ પોયરાને પંદરમું બેઠું એની હાં પીડા હું આઠે પહોર વેઠું
લાડકું રે બેટું મારું લાગે ટેંટું કે મનમાં એના ભૂત મર્દાની પેઠું

શોધવા મૂંછનો દોર જ્યાં દર્પણ વિહ્વળ મથતો દેવા એને વળ
દાઢી તો ભાલપ્રદેશ તોય શેવ કીધા વિણ એને ન પડતી કળ
વાતેવાતે ગર્જી કહેતો યુ ડૉન્ટ નો ડૅડ ખોયું મેં તો પાલતું ઘેટું
આજ પોયરાને પંદરમું બેઠું કે મનમાં એના ભૂત મર્દાની પેઠું

ના સાનભાન શી મંઝિલ લેવી પણ કાર છે લેવી કોરવેટ જેવી
છે બેખબર રૂઠી લખમીદેવી ના રે ગમતી મારી સેકંડહેન્ડ સેવી
પાળ્યો પોષ્યો જાણી ધ્રુવકુમાર આજ તો બન્યા અમે રાહુ કેતુ
આજ પોયરાને પંદરમું બેઠું કે મનમાં એના ભૂત મર્દાની પેઠું

શિખામણ હાં પૂછપરછ બધી ઠુકરાવે ગણી શરણાગતિનો બોધ
મોબાઈલમાંજ મળે કરી રે ક્રોધ ફ્રેન્ડ સંગે છોડે સ્માઈલનો ધોધ
બોય બિચ્ચારો બાયપોલર લાગે મનડુંયે મારું શંકાશીલ રહેતું
આજ પોયરાને પંદરમું બેઠું કે મનમાં એના ભૂત મર્દાની પેઠું

પ્રોટીનશેક જાણે મેવા ભાણે પરસેવા માણે ઓઢે ફીટનેશ બુક
ગોટલો ઘાલી એ તો પંડે પાડે ફોટા ફેસબુક કાજે કરી ફેક લુક
યાદપાટી ખોલી તો દિલ છે મૂક રે બાપ બેટામાં ના જરી છેટું
આજ પોયરાને પંદરમું બેઠું કે મનમાં એના ભૂત મર્દાની પેઠું

આજ પોયરાને પંદરમું બેઠું એની હાં પીડા હું આઠે પહોર વેઠું
લાડકું રે બેટું મારું લાગે ટેંટું કે મનમાં એના ભૂત મર્દાની પેઠું

દિલીપ ર. પટેલ
ઓરેન્જ, કેલિફોર્નીયા


દિલદાર કિરતારનો રે આલાપ છે

દિલદાર કિરતારનો રે આલાપ છે: મુઠ્ઠી શો એ મુલક મારો આવાસ છે;
શ્રધ્ધા સ્થાનકમાં ભર્યાં ભાવનાં સ્મારક તો એ ના મંદિરનો આભાસ છે.
દિલદાર કિરતારનો રે ..

વાલમ વિશ્વાસના હરિયાળા શ્વાસ લઈ વિષયની વાસના તેં જો ઉથાપી;
રગ રગના મારગ વહી રોમ રોમમાં રહી સચ્ચિદાનંદી ચેતના મેં થાપી.
મંદિરના પાષાણમાં જ મને માનવો એ તો જુગ જુગનો જડ રિવાજ છે;
કામનાની કૂંપળે કોરી જો કલ્યાણની કુંજ તો એમાં જ મંદિરનો રાજ છે.
દિલદાર કિરતારનો રે ..

દયા દુઆના દરિયે જરા વ્યાધિ જુવાળ તો નાથ હાથ શું હલેસું તું માંગ
હરજીની મરજી શી મસ્તીમાં હસ્તિ વાળી બ્રહ્મ ભવ ભવનો ભ્રમ તું ભાંગ
ભક્તિની છોળોમાં હર્ષ કે દર્દ હિલ્લોળે એ તો હેતનો હિતકારી ઉઘાડ છે;
કર્મની સાધનામાં સમતા શી યોગ-સમાધિ એજ મંઝિલ એજ ઉધ્ધાર છે.
દિલદાર કિરતારનો રે ..

દિલદાર કિરતારનો રે આલાપ છે: મુઠ્ઠી શો એ મુલક મારો આવાસ છે;
શ્રધ્ધા સ્થાનકમાં ભર્યાં ભાવનાં સ્મારક તો એ ના મંદિરનો આભાસ છે.
દિલદાર કિરતારનો રે ..

દિલીપ ર. પટેલ
ઓરેંજ, કેલિફોર્નીયા

બનવું કદમ્બ કુંજગલીનો છોડ

તૃણ શા સૂકા સૂના આ આયખામાં વનરાવન વાવવાના વાલમ જાગ્યા છે કોડ
તું એક વનમાળી માવા ઝંખુ ત્હારી જોડ રુદિયામાં રહી મારા જીવતરને તું મોડ
વક્ષવેલીને બનવું કદમ્બ કુંજગલીનો છોડ

મેદ વિષય વાસનાનો મેલી મેં તો કલેવર કીધું પોલો વાંસ
રાહ જોઉં છું ક્હાન ખોલી આંખ કાન શા ઈન્દ્રિય દ્વાર જે પાંચ
લઉં જે શ્વાસ ભરી તારો સાદ વેણુ મારી એવી વગાડ ધેનુ થઈ મળવા મૂકું દોડ
વક્ષવેલીને બનવું કદમ્બ કુંજગલીનો છોડ

કળી કુરુક્ષત્રે કર્મઠ કામઠે માણવો મનડે નિમિષ્યારણ માહોલ
યમુના તીર રાગ ગિર પીગાળી પંડે મ્હોરવો મહિમાનો મોલ
ધાર્યું મેં ગાંડિવ પંડ પ્રતિ ગોવિંદ છોડ સુદર્શન ચક્ર સ્નેહે ને મનખાભાવ તું તોડ
વક્ષવેલીને બનવું કદમ્બ કુંજગલીનો છોડ

તૃણ શા સૂકા સૂના આ આયખામાં વનરાવન વાવવાના વાલમ જાગ્યા છે કોડ
તું એક વનમાળી માવા ઝંખુ ત્હારી જોડ રુદિયામાં રહી મારા જીવતરને તું મોડ
વક્ષવેલીને બનવું કદમ્બ કુંજગલીનો છોડ

દિલીપ ર. પટેલ
જૂન 26, 2009


ઓહ માય ગોડ મારામાં જીવે આઈપોડ!

હાથ ઝાલ્યું મેં જ્યારથી આઈપોડ, હાય દિમાગને શું થયું માય ગોડ!
આલ્ઝાયમર ફેરવે હાં રે જીવતરનો મોડ એ પહેલાં પ્રભુ પાડ તું ફોડ
ઓહ માય ગોડ મારામાં જીવે આઈપોડ!

રાખે નામું સંબંધ સંપર્ક કામકાજ કેરી ઝંઝટ એ તો ઝીલે પડ્યો બોલ
કોકિલ કેવી! ચાંચ એની કાનમાં કૂંજી હાં ઘટમાં ગૂંજી કરાવે કિલ્લોલ
શું સોચું આ અલ્લાઉદ્દીનનો જાદુઈ ચિરાગ યા વિક્રમ વેતાળની જોડ?
ઓહ માય ગોડ મારામાં જીવે આઈપોડ!

વીડિયો વોર ગેમથી આંગળી થઈ પાંગળી તોય બંદૂક થયાનો વહેમ
લાગણી થઈ નાગણી મનુજ હણશે ટોય ગણી હાય રાખ જણશે રહેમ
મહાભારત વોર રે શબરીના બોર ખરંતા ખીલશે ખરાં સંસ્કારના છોડ?
ઓહ માય ગોડ મારામાં જીવે આઈપોડ!

હાઈ ટેક હાઈ ટેક દિલમાંય ગુંજતી હાય એ ટ્રેક હાં જાણું છે હાર્ટ એટેક
અંશ હું આઈંસ્ટાઈનનો ગઈકાલ લગી જે ગાયો આજ ભુલાતી એ ટેક
બ્રેઈન મારું બહેર મારશે માયામઝધારે કોણ તારશે બોટ ઓવરલોડ?
ઓહ માય ગોડ મારામાં જીવે આઈપોડ!

દિલીપ ર. પટેલ
ઓરેંજ, કેલિફોર્નીયા
નવેમ્બર 14, 2010

 

સ્વામીનારાયણવાળા ડૉ.સ્વામી ઇશ્વરને કંપ્યુટરનાય કંપ્યુટર તરીકે ઓળખાવે છે. આપણા દિમાગ અને તેની સાથે સંકળાયેલા જ્ઞાનતંતુઓ
(ફાઇબર ઑપ્ટિક્સ !)એક સિસ્ટમ છે અને એનાથીય ઊંચી ક્વૉલિટી ઉપર
(અજ્ઞાતમાં !)છે.આ એમની વાત માંડવાની પધ્ધતિ છે, તો કવિ દિલીપ પટેલ કેવળ બે સિસ્ટમને જ નહીં પણ ત્રણને સાંકળી આપે છે-
ઓહ માય ગોડ-મારામાં જીવે-આઇ પોડઃ ઇશ્વર,હું અને ઇલેક્ટ્રોનિક્સને.
આગળના આસ્વાદોમાં મેં કહ્યું છે દરેક સર્જક્નું કામ એના સાંપ્રતને અભિવ્યક્ત કરવાનું છે જે એનો ઇતિહાસ છે. અહીં પણ કવિ આઇપોડથી પોતાના જીવાતા સમયને પેલી સિસ્ટમો સાથે સાંકળી આપે છે.અનેક ટપકાં રેણ કરી સર્જાતું ‘મધરબોર્ડ’ જીવાતા જીવનના અનેક સ્તરોને સાંકળી આપે છે.
કવિ માણાસ છે, અને એની ફરતે શું ઘટી રહ્યું છે તેનાથી એ સજાગ છે. સગવડથી થતી અનેક તકલીફો(!) માણસની નબળાઈ છે.ખંતનો અંત.
પેલી રેણ કરેલી લીટીઓ જીવા દોરીઓને નબળી પાડે છે તે આશ્ચર્યથી
હાય દિમાગને શું થયું, માય ગોડ !-ઉદગાર સરી પડ્યા,એટલું જ નહીં એ
deviceથી મળેલો વિસ્મૃતિનો રોગ પણ એમાં સામેલ છે. એ નબળાઇનો શિકાર થવાય તે પહેલાં પેલું અજ્ઞાત કંપ્યુટર છે તેને ફરીથી આધીન થઈ
વિનવે છે-એ પહેલાં પ્રભુ પાડ તું ફોડ…-માણસ તરીકે આ depending અવસ્થા આપણું સાતત્ય છે, જીવવા વલખાં નથી મારતા, મથામણ નથી કરતા,આપણે કેવળ અવલંબનનો વિસ્તાર કરીએ છીએ અને ‘ઓહ માય ગોડ …ધૃવપંક્તિમાં તે વળી વળી ડોકાયા કરે છે.આપણે તેમાં સતત અસ્તવ્યસ્ત છીએ જે ‘ઓ’ અને ‘ડ’માં પડઘાયા કરે છે.ભાષા, વિચાર અને
રૂઢિગત જ્ઞાન આ ત્રણેવથી આપણામાં હજું કશુંક ખૂટે છે એ અનુભૂતિ આ કાવ્યમાં સંભળાયા કરે છે.એ આપણી વેદના હશે !-’ હાંરે જીવતરનો મોડ..
ત્રણ અંતરામાં લખાયેલા આ અગેય ગીતમાં ( એટલેજ કાવ્યમાં) ગુજલીશ ( અમેરિકામાં સ્પેન્ગલીશ !) ભાષાથી અર્વાચીન સંસ્કૃતિને, સર્જકના ભક્તિરસથી,એના કહેવાતા દુષણો સહિત લવચીક મૂકાયા છે. .. વધુ આસ્વાદ માટે હિમાંશુભાઈ પટેલની વેબસાઈટ હિમાંશુનાં કાવ્યોની મુલાકાત લેવા અહીં ક્લિક કરશો.

 

Dilip Patel Kavita