Kavilok

Gujarati linksGujarati poetsGujarati poemsGujarati articles

ગુજરાતી મુક્તકો (Gujarati Muktako)

મુક્તક/શેર (Gujarati Shayari), kavilok / કવિલોક

મુક્તકો

જે કહ્યું માને વિધાતાનું એ મુકદ્દર હું નહીં
આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહીં
મેં મુકદ્દરથી ઘણુંયે મેળવ્યું  ’મેહુલ’  અહીં
જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં

સુરેન ઠાકર ‘મેહુલ’

જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ  અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા  પામવાને  માનવી  તું  દોટ  કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી

સુરેન ઠાકર ‘મેહુલ’

એક   વિતેલા  સમયની  પળને  પંપાળું  જરા
ફૂલની છે  આંખ ભીની  સહેજ એ  ખાળું જરા
લાવ, ચાદર ઓઢીએ આ રાતના અંધારની
સ્વપ્નના સૂરજથી મારી ઊંઘ અજવાળું જરા

ગોપાલ શાસ્ત્રી

પ્રણયનું દર્દ જ્યારે પહેલવહેલું દિલમાં પ્રગટ્યું’તું
તો લાગ્યું માનવીને આ બહુ કપરી મજલ આવી
રજૂ કરવા  હ્રદયના  દર્દને  મથતો  હતો  એ તો
વહારે એટલે એની ગગન પરથી ગઝલ આવી

મનહરલાલ ચોકસી

જીવન-ઉપાસનાની સદા ધૂન છે મને
હું  જિંદગીનો  એક  નવો  દ્રષ્ટિકોણ  છું
મારી વિચાર-જ્યોત મને માર્ગ આપશે
છું  એકલવ્ય  હું જ  અને  હું જ દ્રોણ છું

મનહરલાલ ચોકસી


મુક્તકો New Kavi

મારા સ્મરણ પ્રદેશની  લીલાશ છો તમે

ને શુષ્ક શ્વાસમાં ભળી  ભિનાશ છો તમે

માળાની  ઝંખના નથી  મારા  વિહંગને

મુજ શ્વાસમાં લિંપાયું એ આકાશ છો તમે

કરસનદાસ લુહાર

સૌંદર્યના  એ  પૃથ્થકરણમાં  શું મજા ?

હર કોઈ વિષયમાં તું ગણતરીથી ન જા

એક ફૂલની સુંદરતા ને સૌરભ તો માણ

પાંખડીઓને ગણવામાં નથી કોઈ મજા

સતીષ  ‘નકાબ’

અમસ્તી  કોઈ પણ વસ્તુ  નથી બનતી  જગતમાંહે

કોઈનું   રૂપ  દિલના   પ્રેમને  વાચા  અપાવે   છે

ગઝલ સર્જાય ના ‘કૈલાસ’ દિલમાં દાહ લાગ્યા વિણ

પ્રથમ  ઘેરાય છે  વાદળ,  પછી વરસાદ  આવે છે

જીવવાનું   એક   કારણ  નીકળ્યું

ધૂળમાં  ઢાંકેલું  બચપણ  નીકળ્યું

મેં  કફન  માનીને  લીધું  હાથમાં

એ સુખી માણસનું પહેરણ નીકળ્યું  

તરબતર  આંખોય પ્યાસી  નીકળી

રાતરાણીની     ઉદાસી     નીકળી

તારલા ઊઘડ્યાં ને મળતા આગિયા

ચાંદને   જોવા   અગાસી   નીકળી

એકાદ  એવી યાદ  તો છોડી  જવી હતી

છૂટ્ટા  પડ્યાની  વાતને ભૂલી  જવી હતી

વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે

થોડીઘણી  સુગંધ  તો  મૂકી  જવી  હતી   

ચાંદનીની  રાહ એ  જોતું  નથી

આંગણું   એકાંતને   રોતું  નથી

રાત પાસે આગિયા પણ હોય છે

એકલું  અંધારું  કાંઈ  હોતું નથી

કૈલાસ પંડિત    

પડછાયા ફક્ત તારે નગર રૂબરૂ મળે

લોકો મળે નહીં અને બસ આબરૂ મળે

ઊગે સવાર કંઠમાં લઈ બ્રહ્મરૂપ સ્વર

ને સાંજના ચરણમાં પછી ઘુંઘરું મળે 

હું તું - હતા ને સામે તો સેના ઊભી હતી

કેવો હતો  સમય અને  કેવી ઘડી હતી ?

માંગી શક્યા નહીં કોઈ વરદાન, બાકી તો

તારો જ રથ હતો અને  આ આંગળી હતી               

રઈશ મણિયાર  

સહવાસના પડઘામાં અબોલો રહી જાઉં

ઘરમાં જ વસું તોય  ભટકતો રહી જાઉં

જો પ્રેમ મળે છે  તો  પ્રતિબિંબની જેમ

પાણીમાં પડું  તોય  હું સુક્કો રહી જાઉં  

ભવભાવથી   ચણેલ   શબ્દના  બંધ  તૂટે

તોપણ  શી  મજાલ  છે કે  કશે  છંદ તૂટે?

જીવનમાં એ સિધ્ધ હસ્તતા ક્યાં છે દોસ્ત?

જાળવવા  છતાં   પણ  અહીં  સંબંધ  તૂટે  

જવાહર બક્ષી  

માર્ગની આ ધૂળને શું ઉન્નતિ કે શું પતન?

સર્વનાં ચરણો તળે ચંપાઈ જાવું એ જીવન.

પાનખરનો અંચળો ઓઢી બહારો કાં રૂએ?

એ ખરે જાણી ગઈ છે મારા જેવાનુંય મન.

જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી

અમીરી કોઈ અંતરની  મહાલયમાં નથી હોતી 

શીતળતા  પામવાને  માનવી તું  દોટ કાં મૂકે?

જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી

મેહુલ   

   દર્દને ગાયા વિના રોયા કરો

જિંદગી માણ્યા વિના ખોયા કરો

બીક લાગે કંટકોની જો સતત

ફૂલને ચૂંથો નહીં, જોયા કરો

- કૈલાસ પંડિત

ઘણા ઊજળા ગણાતા માણસો સૂરજ ડૂબી જાતા

છૂપીને રેશમી જુલ્ફોમાં જઈ પરબારા ઊતરે છે

પરંતુ એમની ટીકા નહીં કરજો કે સદીઓથી 

સફેદ આકાશ પરથી રાતના અંધારા ઊતરે છે

-મરીઝ 

ચૂડીઓ તૂટી ગુલામીની હણાયા ચોટલા,

હાથ લાગ્યા જ્યારથી સ્વરાજ કેરા રોટલા;

નિતનવા કાંઈ કાયદાથી ફાયદા એવા થયા,

આમ જનતાના જુઓ નીકળી ગયા છે ગોટલા.

- બેકાર  

પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે

હર ચીજમાં એ લાભની તક શોધે છે

આ દુષ્ટ જમાનામાં રુદન શું કરીએ

આંસુમાં ગરીબોના નમક શોધે છે

- મરીઝ  

ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ

શંખનાદો ઝાલરોને બાગના આલાપ બંધ

મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું?

થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ

- ઉમ્મર ખૈયામ ( અનુવાદક-  “શૂન્ય” પાલનપુરી)   

ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન આપણું

બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું

વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા

કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું

- ઉમ્મર ખૈયામ ( અનુવાદક-  “શૂન્ય” પાલનપુરી) 

પાંખનું કૌવત કે હું ધીમો કદી પડતો નથી

ઉડ્ડયન કરતો રહું છું પાછળ કદી હટતો નથી

મારા જીવનમાં ખામી શોધનારા સાંભળો

બહુ ઊંચી વસ્તુઓનો પડછાયો કદી પડતો નથી

- નાદાન     

તાંદુલી  તત્વ  હેમથી  ભારે  જ  થાય  છે,

કિન્તુ  મળે  જો લાગણી  ત્યારે જ થાય છે.

જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હ્રદય! 

મૈત્રીનું  મૂલ્ય  કૃષ્ણને  દ્વારે  જ  થાય  છે.  

- મુસાફિર 

સહવાસના પડઘામાં અબોલો રહી જાઉં

ઘરમાં જ વસું તોય ભટકતો રહી જાઉં

જો પ્રેમ મળે છે તો પ્રતિબિંબની જેમ

પાણીમાં પડું તોય હું સુક્કો રહી જાઉં

- જવાહર બક્ષી  

જંગલી થૈને ફરે છે ટેરવાં

સ્પર્શમાંથી નીકળેલું રક્ત છે

સાત પડ વિંધાઈ જાશે મહીં

લાગણીના હાથ કેવાં સખ્ત છે

- આર. એસ. દૂધરેજિયા 

ક્યાંક ક્ષણના કાફલા ફૂંકી જવાના હોય છે

ક્યાંક કાંધે ભાર એ વેંઢારવાના હોય છે

હો ભલે વેઢે તમારા દુ:ખના ટશિયા બધા

એક ફિક્કું સ્મિત દઈ, ભૂલી જવાના હોય છે

- સંજય પંડ્યા

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે

કોઈ રડીને દિલ બહેલાવે છે

કોઈ ટીપે ટીપે તરસે છે

કોઈ જામ નવા છલકાવે છે

સંજોગના પાલવમાં છે બધું

દરિયાને ઠપકો ના આપો

એક તરતો માણસ ડૂબે છે

એક લાશ તરીને આવે છે

- સૈફ પાલનપુરી

અમર મુક્તકો ( ગુજરાતી સાહિત્યનો અમર વારસો ) માંથી સાભારસંપાદન: કૈલાસ પંડિત 

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

Web: www.rrsheth.com  

 

એક શાયર છું જીવન-કર્મોથી ના અજ્ઞાન છું

વેદનો પણ છું ઉપાસક, કારીએ કુઅરાન છું

કિંતુ જો ઈમાનની પૂછો તો આસિમ સાંભળો

હું ન હિન્દુ છું, ન મુસ્લિમ છું, ફક્ત ઈન્સાન છું

- આસિમ રાંદેરી

હું શું કહું કે ક્યાં હું મથામણમાં જઈ ચડ્યો

પિંજરથી નીકળ્યો તો પળોજણમાં જઈ ચડ્યો

ઘાયલ નિરાંત કેવી આ હતભાગી જીવને

અકળાયો ખોળિયામાં તો ખાંપણમાં જઈ ચડ્યો

- અમૃત ઘાયલ

જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું

ઉતારું છું પછી થોડુંઘણું એને મઠારું છું

તફાવત એ જ છે તારા અને મારા વિશે જાહિદ

વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું

- અમૃત ઘાયલ

ચડી આવે કદી ભૂખ્યો કોઈ હાંકી કહાડે છે   

નથી કાંઈ પેટ જેવું અન્નકૂટ એને જમાડે છે

કરાવે છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે

અહીં માનવને મારી લોક ઈશ્વરને જિવાડે છે

- અમૃત ઘાયલ

અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું

મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું

આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ

શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું

- અમૃત ઘાયલ

પીડા શમી ગયાનું કદી છળ નહીં કરે

સેવાના કોઈ યત્નને નિષ્ફળ નહીં કરે

સુંદર તબીબ હોય તો એક વાતનો છે ડર

સજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે

-શૂન્ય પાલનપુરી

પ્રથમ તુજ દિવ્ય મોતીનું જરા દર્શન કરાવી દે

પછી હળવે રહીને મોજ ઊર્મિની વહાવી દે

છતાં ઊંડાણનું અભિમાન દર્શાવે યદિ સાગર

તો દિલના કોક ખૂણેથી જરા પરદો હટાવી દે

-શૂન્ય પાલનપુરી

Previous Poems

Next page