જવાહર બક્ષી (Kavi Javahar Baxi)

પળવારમાં તૂટી પડે


વિશ્વાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઇ બેસેલ તે,
આખો ને આખો મ્હેલ, બસ પળવારમાં તૂટી પડે.
સહવાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઇ બેસેલ તે,
આખો ને આખો મ્હેલ, બસ પળવારમાં તૂટી પડે.

દર્પણ ભલે અકબંધ રહેવાનો અમરપટ્ટો લઇ બેસી રહે,
પણ સ્હેજ શંકાની કરચ એવી પડે પ્રતિબિંબમાં,
આભાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઇ બેસેલ તે,
આખો ને આખો મ્હેલ, બસ પળવારમાં તૂટી પડે.

છટકી જવાની કોઇ પડછાયાને ઇચ્છા થાય ને,
વિકલ્પની કોઇ છટકબારીમાં ફૂટી જાય આશાનું કિરણ,
અજવાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઇ બેસેલ તે,
આખો ને આખો મ્હેલ, બસ પળવારમાં તૂટી પડે.

કૈં સાવ એમ જ કોઇ અણધારી ક્ષણે કોઇ
અજાણી અશ્મિના(*) ચ્હેરામાં સૂતેલું કોઇ ઝીણું સ્મરણ જાગી ઊઠે,   
ઇતિહાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઇ બેસેલ તે,
આખો ને આખો મ્હેલ, બસ પળવારમાં તૂટી પડે.

શબ્દો ઘડું, હું છંદ બંધાવું, વ્યવસ્થિત
પ્રાસ પહેરાવું, અલંકારો રચું, ત્યાં અંગ મરડે એક અનાદિ વેદના,
આયાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઇ બેસેલ તે,
આખો ને આખો મ્હેલ, બસ પળવારમાં તૂટી પડે.

- જવાહર બક્ષી

 * Fossil

નીર્ભ્રાંતીની આ ગઝલ વાંચતાની સાથે જ તેની વીશીશ્ટતાથી આપણું ધ્યાન ખેંચી લે છે.

સંબંધોના વીશ્વાસ, માન્યતાઓના દર્પણીય આભાસ, જ્ઞાન અને અજ્ઞાનમાંથી સર્જાતા વીકલ્પો, ઈતીહાસના ભ્રામક ખેલ, અને આપણે માની લીધેલી આપણી શ્રેશ્ટતામાંથી પ્રગટતા પ્રયાસો - આ બધા એક જ ક્ષણમાં પત્તાના મહેલની જેમ તુટી પડે, તેવું પણ જીવનમાં બનતું હોય છે. એ કરાળ ખીણ જેવી નીર્ભ્રાંતીની ઘટનાને આ ગઝલ તેના એકદમ વીશીશ્ઠ બંધારણ અને અદ્ ભુત રદીફ અને કાફીયાથી ઉજાગર કરે છે.

અમેરીકા આવી રહેલા આપણી ભાશાના આ મહાન કવીના મનોરાજ્યને સમજવા તેમની કવીતાઓ વાંચવાની શરુઆત કરી; ત્યારે પહેલી જ આ ગઝલ ઉડીને આંખે વળગી ગઈ.


ભજન-ગઝલ -જવાહર બક્ષી (Javahar Baxi)

ભજન-ગઝલ

એવો તે કંઈ ઘાટ જીવનને દીધો જી
પરપોટામાં કેદ પવનને કીધો જી

ચારેબાજુ સ્પર્શનું ભીનું અંધારું
અણસારાનો લાગ નયનને દીધો જી

લોચનિયાંનો લોભ પડ્યો રે બહુ વસમો
દ્રષ્ટિનો દરબાર સ્વપનને દીધો જી

સપનામાં તો ભુલભુલામણ - અટવાયા
ઓળખનો અવકાશ તો મનને સીધો જી

અંતે આ આકાશનું બંધન પણ તૂટ્યું
પરપોટાની બહાર પવનને પીધો જી

જવાહર બક્ષી