વાસી અબ્બાસ અબ્દુલ અલી ( મરીઝ ) (Gujarati Gazalkar Kavi Mareez)

જન્મ: સુરત    વસવાટ: મુંબાઈ     વ્યવસાય: પત્રકાર

જન્મ               22-2-1917 સુરત

અવસાન           19-10-1983 મુંબાઇ


જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોંઘમ ઇશારે ઇશારે
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.

અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતાં જશો તો, થતી રહેશે ઇચ્છા વધારે વધારે.

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફકત એ શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફિર વિસામે વિસામે, નવી સગવડો છે, ઉતારે ઉતારે.

મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન તો ગયું છે સહારે સહારે.
મરીઝ


ગઝલ

          

કુદરતના  ખેલ  હાથમાં  આવી  નહીં  શકે,

કળીઓને  ગલીપચીથી  હસાવી નહીં  શકે.

                  

મારા  કવનનું આટલું  ઊંડું  મનન  ન કર,

કંઈ  યાદ  થઈ  જશે તો  ભૂલાવી નહીં શકે.

                    

ના માંગ  એની પાસે  ગજાથી  વધુ  જીવન,

એક પળ  એ  એવી  દેશે  વિતાવી નહીં શકે.

                        

અંતિમ  દર્દ  હોય  તો  આવે  છે  સ્તબ્ધતા,

સાચો  વિરહ  છે  એ જે  રડાવી  નહીં  શકે.

                  

તે  વેળા  માન  તારી  મહત્તા  બધી  ગઈ,

જ્યારે   તને  કશું  ય   સતવી   નહીં શકે.

                  

એવા  કોઈ  સમયને  હું  ઝંખું  છું  રાતદિન,

તું  આવવાને  ચાહે,  ને  આવી   નહીં  શકે.

                 

એક જ  સલામતી  છે કે  પડખામાં દિલ રહે,

એ  બહાર  જો જશે  તો  બચાવી  નહીં  શકે.

 

સુખનવર શ્રેણી ( મરીઝ ) માંથી સાભાર

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

વાસી અબ્બાસ અબ્દુલ અલી ( મરીઝ ): જીવન ઝાંખી:  On Gujarati Sarswat Parichay (maintained by Sureshbhai Jani)