Gujarati poems (Kavita- geet- sangeet) #12

Previous Poems

Next page

કૃષ્ણ-રાધા

કૃષ્ણ-રાધા

પ્રિયકાંત મણિયાર

આ નભ ઝૂક્યું તે કાનજી

      ને ચાંદની તે રાધા રે,

આ સરવર જલ તે કાનજી

      ને પોયણી  તે  રાધા રે,

આ બાગ ખીલ્યો તે કાનજી 

      ને લ્હેરી જતી તે રાધા રે,

આ પરવત-શિખર કાનજી

       ને  કેડી ચડે  તે રાધા રે,

આ ચાલ્યાં ચરણ તે કાનજી

      ને પગલી પડે તે રાધા રે,

આ કેશ ગૂંથ્યા તે કાનજી

      ને સેંથી પૂરી તે રાધા રે,

આ દીપ જલે તે કાનજી

        ને આરતી તે રાધા રે,

આ લોચન મારા કાનજી

     ને નજરું જુએ તે રાધા રે! 

પ્રિયકાંત મણિયાર

ઊંડું જોયું..


ચંદ્રકાંત શેઠ

ઊંડું જોયું, અઢળક જોયું;

મનમાં જોયું, મબલખ જોયું.

ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ,

કોક ગેબના તળિયાનાં મહીં ઝલમલ ઝલમલ મોતી!

તળિયે જોયું, તગતગ જોયું;

ઊંડે જોયું,  અઢળક  જોયું.

માટીથી આ મન બંધાયું ને મનથી કૈં મમતા;

એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા!

જળમાં  જોયું, ઝગમગ જોયું;

ઊંડે  જોયું,  અઢળક  જોયું.

આ ઘર, ઓ ઘર કરતાં કરતાં, ઘૂમી વળ્યા આ મનખો;

ધૂણી-ધખારે  ઘટ  ઘેર્યો  પણ અછતો  રહે  કે તણખો? 

પલમાં જોયું, અપલક જોયું;

હદમાં જોયું, અનહદ જોયું;

ઊંડું જોયું, અઢળક જોયું.

ચંદ્રકાંત શેઠ


રમીએ- ગની દહીંવાળા

રમીએ

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,

ચાલ  મજાની  આંબાવાડી! આવળબાવળ રમીએ.

બાળસહજ  હોડી  જેવું  કંઈ  કાગળ કાગળ રમીએ,

પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા  મનને  દઈએ  મોટું   માદળિયું  પહેરાવી,

બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ  ભલેને  જાય  તણાતી  શ્રાવણની  હેલીમાં,

છળના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.

હોય  હકીકત  હતભાગી  તો સંઘરીએ  સ્વપ્નાંઓ,

પ્રારબ્ધી  પથ્થરની  સાથે  પોકળ પોકળ  રમીએ. 

ફરફર  ઊડતું  રાખી પવને  પાન સરીખું પહેરણ,

મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હુંય ગની, નીકળ્યો છું લઈને આખોપાખો સૂરજ,

અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

ગની દહીંવાળા

 

Previous Poems

Next page