Gujarati poems (Kavita- geet- sangeet) #11

Previous Poems

Next page


પાર્થને કહો ચડાવે બાણ


પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
કહો, કુંતાની છે એ આણ, પાર્થને કહો ચડાવે બાણ
 

ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી કીધાં સુજનનાં કર્મ
આર્યસુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ
સજીવન થાય પડ્યાયે પ્હાણ … પાર્થને કહો ચડાવે બાણ
  દ્રૌપદીની હજી વેણ છૂટી છે રાજસભાના બોલ
રણનોતરાંના ઉત્તર દેજો રણધીરને રણઢોલ
પાર્થની પ્રત્યંચાને વાણ … પાર્થને કહો ચડાવે બાણ
  મેહુલો બોલે, વાયુ હુંકારે, ત્યમ તલપો સિંહબાળ
યુગપલટાના પદ પડછન્દે, ગજવો ઘોર ત્રિકાળ
સજો શિર વીર ! હવે શિરત્રાણ … પાર્થને કહો ચડાવે બાણ
  નૃલોક જોશે, કાળ નીરખશે, રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં, હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ … પાર્થને કહો ચડાવે બાણ
  વિધિનાં એ જ મહાનિર્માણ, પાર્થને કહો ચડાવે બાણ   કવિ નાનાલાલ દલપતરામ કવિ

મારું ખોવાણું રે સપનું

મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું, મારું ખોવાણું રે સપનું.   પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસ્તી, પર્વત કે’છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું,
મારું ખોવાણું રે સપનું.   વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો માર સમણાની એંધાણી;
તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું,
મારું ખોવાણું રે સપનું.   ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી;
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનુંછપનું,
મારું ખોવાણું રે સપનું.  

ગની દહીંવાલા  (Gani Dahiwala)


માભોમ આવે

સી યુ અગેઇન કરતાં તમારું એ આવજો મધમીઠું લાગે
હાયહેલો ફ્રેંડશીપ   બને દોસ્તી તો શમણું અણદીઠું જાગે

હમદર્દીલાં દિલડાંનો ધબકાર સંભળાયે આલિંગન વિના
ચોટદાર એનો એવો ઉન્માદ આઈ લવ યુ અણકીધું વાગે

પરભોમમાં ઓમનું છૂંદણું જોઇને જોમ આવે
હોમસીકને આમ મળવા જાણે માભોમ આવે

હતાશ હું બેભાન રહું છોને ઇ આર હો સારવારે
જો ઉં તરત કેમ છો શબ્દ પડઘા થઈ આવે

ક્ષુધાસભર આળોટું વિદેશી વાનગી વચાળે
ખાઉં ઓડકાર જો ખીચડી ખાટી છાશ આવે

ચકરાઉં બસ નૉર્ડસ્ટ્રોમ મેસીસ ઝાકજમાળે
ચીંથરાને ચૂમું જો મૅઈડ ઈન ઇંડિયા આવે

લૉટરી કૂપન યા જૉબ-લેટર ગાર્બેજ ભાળે
ફાટેલ દેશી ટપાલમાં અક્ષર મોતી થૈ આવે

કુમ્ભકર્ણ થઈને નસ્કોરું ક્રીસમસનીય સવારે
સફાળો જાગું જાગો રે પ્રભાતિયે સાદ આવે

ભટકે બેતાળાભરી નયના ઇંટરનેટના મેળે
મળે ગુજરાતી ફોંટ તો બેસવાનું ઠામ આવે

ડોલર નામે સાહ્યબી છો ના દોમદોમ આવે
દોલતમાં દિલને ભાગે જો કાણી પાઇ આવે

દિલીપ આર. પટેલ

ઓરેંજ, કેલિફોર્નીયા

મે, 22, 2006

Previous Poems

Next page