Gujarati poems (Kavita- geet- sangeet) #10

Previous Poems

Next page

(દુબઈની સાંપ્રત સ્થિતિને અનુલક્ષીને)

તે પછી:

સરકતી રેત પર બાંધી ઇમારત, તે પછી,
પડી મૃગજળ પીવાની રોજ આદત,તે પછી.

બધાયે ભોગને તત્પર કર્યા તલસાટમાં,
ખુદાની પણ કરી ખાલી ઇબાદત, તે પછી.

મઝામય જામના અંજામની પરવા વિના,
નિચોવી સાવ નમણી મહીં નજાકત, તે પછી.

તકાદો તોરભૂખ્યો ને વળી તકદીર થઈ તરસી,
રહે સુખો બધાં ક્યાંથી સલામત, તે પછી.

અફીણી દોડને પણ હાંફ ચડતો જોઈને,
રહ્યો ના ફીણનો પારો સલામત, તે પછી.

શીતળતાને સતાવે છે ડૂમો દુ:સ્વપ્નનો,
ઉડાવે ઊંઘ પણ અશ્રૂની જ્યાફત, તે પછી.

થયો ખાલી ખજાનો કે પછી પોકળ હતો પાનો,
સફાળી ધ્રુજવા માંડી શરાફત , તે પછી.

ગુનાઓ ગાંસડી બાંધી ઊભા છે રાહ જોતા,
જુઓને હાંફળી થઇ છે કયામત, તે પછી.

ચલો ગુલશન મહી આળોટીએ ભ્રમણાં બની,
થઈ ગઈ એષણાને પણ અદાવત, તે પછી.

કસમ કોની લઈશું સત્ય કહેવા-સૂણવા કાજે,
અદા અદ્દલ બતાવે ત્યાં અદાલત, તે પછી.

લીધું જ્યાં નામ પરવરનું અદા કરવા નમાજોને,
તરત સમજાઈ ગઈ આખીયે બાબત, તે પછી.

ડૉ. નવનીત ઠક્કર


સાંપ્રત સમયની વિશ્વભરમાં વ્યાપેલી નાણાંકીય કટોકટીથી નાસીપાસ થયેલ સહુ કોઈ માટે બળપ્રેરક ને ખાસ વાંચવા લાયક શ્રી કૃષ્ણ દવેની સાહિત્યિક સંજીવની

આત્મહત્યા કરવા જઈ રહેલ વ્યક્તિને

ક્યાં જઇ રહ્યા છો? આત્મહત્યા કરવા?
ના રે ના, તમે તો જઇ રહ્યા છો તમારા પર મુકેલા ભરોસાની હત્યા કરવા. તમે જેને અંત માનો છો ને ? એ તો આરંભ છે તમારા પરિવાર માટે રીબાઇ રીબાઇને મરવાનો.   પથ્થરોના ટુકડાઓમાંથી ચમક ઓછી થઇ ગઇ તો શું થયું?
તમારા બાળકની આંખમાં તો એવી ને એવી જ ચમક છે
- તમે ઘસી ઘસીને હીરા ચમકાવતા હતા ને? એવી જ.   રૂપિયાની ખનક સંભળાતી બંધ થઇ તો શું થયું?
તમારી દીકરીનો ટહૂકો હજી એવો ને એવો જ મીઠ્ઠો છે
- તમે જન્મદિવસ પર અપાવેલી ઝાંઝરીના રણકાર જેવો જ.   કાગળોમાં રોકેલો વિશ્વાસ પીળો પડી ગયો તો શું થયું?
તમારી પત્નીની આંખોમાં છલકાતો વિશ્વાસ હજુયે અકબંધ છે.
- વીંટીંમાં જડેલા સાચ્ચા મોતીની સફેદી જેવો જ.   કાલથી કામ પર નહીં આવતા, એવું ખેતરે કોઇને ય કહ્યાનું
તમને યાદ છે?
સાંજે થાકીને પાછા ફરેલા પંખીને ઝાડવાએ બેસવાની ના પાડી હોય,
એવું તમને યાદ છે?
તમારી દસ પેઢીમાંય કોઇએ આત્મહત્યા કરી હોય,
એવુ તમને યાદ છે?   ગાઢ અંધારૂ છે એ ય સાચું -
ઝાંખો પ્રકાશ છે એ ય સાચું.
પણ એથી કાંઇ આમ દાઝ કરીને ટમટમતા દીવાને થોડો ઓલવી નાખવાનો હોય?   આવે ટાણે જ તો સંકોરવાની હોય સમજણની શગને,
અને પુરવાનું હોય થોડીક ધીરજનું તેલ.
બાકી સવાર તો આવી જ સમજો…

.

કૃષ્ણ દવે

Krushna Dave Kavi

Previous Poems

Next page