Gujarati poems (Kavita- geet- sangeet) #9

Previous Poems

Next page

એક કોડભરી કન્યા-કે જેની સગાઇ હજુ ગયા વૈશાખમાં જ થઇ છે અને તે પછીના શ્રાવણી સાતમના મેળે એનો પિયુ મળેલો. એણે આપેલી પીળા રૂમાલની ભેટ અને ચકડોળે લગોલગ બેઠેલા તે સ્પર્શની અનુભૂતિની વાત ખેતરના શેઢે વિહરતી વિહરતી તેની સખીઓને કરે છે-એનું ગીત. આ ગીતની માંડણી અને પૂર્તતા કવિ મિત્ર પ્રકાશ જોશીના સહયોગથી થઇ.

વાયરાની હેલે…

વાયરાની હેલે હું તો રેલાતી જાઉં ‘ને,
વાયરો અડ્યાનો મને વહેમ થાય,
બોલને મોરી સૈયર, વાતે વાતે બળ્યું,
સાહ્યબો અડ્યાનું મને કેમ થાય?
વાયરાની હેલે હું તો….

પથરાને ગોફણીયે ઘાલી ઉછાળું,
કે માટીમાં કરૂં રે કુંડાળું,
કેમે ય કરીને વાટ ખૂટે નહીં ને તોયે,
ચાલવાનું લાગે રે હૂંફાળું,
ઉભે રે શેઢે હું તો તણાતી જાઉં ‘ને,
કમખાની કોર આમ તેમ થાય,
વાયરાની હેલે હું તો…

સુંવાળા સગપણનું ગાડું રે હાંકુ,
મોલ શમણાંનો લણતાં રે થાકું,
વાયદાને આંખમાં કે મુઠ્ઠીમાં રાખું,
તો યે વાતેવાતે પડતું એને વાંકુ,
રૂમાલની ગાંઠે હું તો ગૂંથાતી જાઉં ‘ને,
લોક કે’તા કે આને તો પ્રેમ થાય..
વાયરાની હેલે હું તો….

ગગુભા રાજ

____________

Stree nu Brun parikshan ane pachhi brun hatya!!!!

સ્ત્રી ભ્રુણ હત્યા !!

આ વણજન્મેલી વૈદેહીની વેદના તું વિચારી જો.
લોહીથી લથપથ લાગણી વચ્ચે ખુદ તારી તું કલ્પી જો.

પાંચાલીની શક્તિ તારી, મહાભારત જો રચી શકે .
અંબા દુર્ગા કાળીને એક અવસર તો આપી જો .

ગુંગળાતા હિબકતા ડુસકા ,ઉગ્યા પહેલા આથમતા,
ચંદ્ર સરીખી પ્રતિકૃતિને એક વખત અવતારી જો.

કુળદીપકની કેવી ઝંખના જે રૂંધે પાપા પગલીને ,
દંભી સામાજિક મુલ્યોને એક ઠોકર તો મારી જો.

ડૉ. પ્રવીણ સેદાની

ગુજરાતી સાહિત્યસૃષ્ટિની અનોખી વેબસાઈટ

ગુજરાતી કાવ્યસૃષ્ટિ જેમના પ્રદાનથી ભાગ્યવંતી બની છે અને ગૂર્જર ઘરઘર જેમની કાવ્યરચનાઓથી ગુંજતું રહ્યું છે એવા "છ અક્ષરનું નામ"થી પોતાની આગવી ઓળખ પેદા કરનારા વરિષ્ઠ કવિશ્રી રમેશ પારેખના સર્જનથી સભર સભર અને સધ્ધર એવી http://www.rameshparekh.in/biography1.html રસભર વેબસાઈટ ગુજરાતી કાવ્યરસિકોને ભેટ આપવા બદલ નીરજ રમેશ પારેખને અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ. એક વખતની મુલાકાત સાચ્ચેજ આપને ફેવરીટ લીસ્ટમાં સો થયો હોઇશ?

Previous Poems

More Poems on the Next page