દિલીપ ર. પટેલ (Dr. Dilip R Patel)

સંસ્કૃતિનું દેવું

Dilip Patel on Noris Hall Tragedy in Virginia Tech Shootout.

                     

ગૂર્જર વસ્યો યુએસ જાણી એને  કુબેર ભંડાર જેવું

સંપત્તિનું સપનું કરવા સાકાર કીધું સંસ્કૃતિનું દેવું

વટલાયો વાઈન સંસાર ભૂલીને ડિવાઈન સંસ્કાર

ડોલર નામે ગોબરની કમાણી આ તે ગણિત કેવું ?

                                                       

બેન્ક બેલેન્સની હસ્તે ખુજલી ને થતું ખિસ્સું ઠાલું

અંતર નાડી અશ્વવેગી દોડે ચૂકવવા ભોગનું ભાડું

અઠવાડિયું લાગે એંઠવાડિયું રજાની મજા પશ્ચાત

હર ખોરડે ગાડી તોયે જીવતર જાણે રગશિયું ગાડું

                                                      

પારકા પારણે પરાણે ઝૂલી બાળપણનું બહેકી જાવું

ના પળ પ્રેમાળ ને પૈસા બળે સંતતિનું મોટા થાવું

સંસ્કારે સજેલું ઘર ગુમાવી  સર્જ્યું મજેદાર મકાન 

જાહોજલાલી ભલે, ઘરે ભૂત બંગલાનું ખાવા ધાવું  

                                                       

મુક્ત મિજાજી દેશ ઈન્દ્રિયોનું ગુલામી ગીત ગાવું

સંસ્કાર-દાઝે રામકથા દાઝ્યાનું છાશ ફુંકીને પીવું

નિવૃત્તિના શમણા સાટે સ્વીકૃત મોહાંધ દોડાદોડી

ચોરાશીની ચગડોળે જીવનું જાણે ફેરાં ફરવા જાવું

                                                            

દિલીપ ર. પટેલ        

  You can download a pdf book of Dilip Patel's poems. Click here to download.


પાનખર

        

વસુંધરા પરે વસંતના વરસોથી ગવાયા છે સવાયા ગાન

અદેખાઈએ આજ શું પાનખરના ઘવાયા ને  સૂકાયા પાન?

કૂંપળ  કળી ના નીકળી ના નીખરી  ત્યાં  કરમાઈ ગૈ ખરી

અડીખમ થડ લાગે પાળિયા  ઝાડવે  જાણે ગુમાવ્યા જાન

              

ગયા કોકિલ કૂંજન  ભ્રમર ગુંજન વગડા શો વાગતો રાન

ધખી ધરતી યાચતી પડછાયાના પોત શી પથારીના દાન

નિતરી ઝાડે ઝુલતી લીલોતરી ને તળાવે  થૈ લીલ ઉતરી

થાકેલ પાન ધરાએ પાથરી પાનખર ધરે પિતાંબરી વાન

                

વેદ શા  વેણલા  વદે  વેદનાભર્યાં  બચેલા  પાકેલા પાન   

વાસંતી માનપાને ફુલ્યાં ફળફૂલ ને  ચડ્યું માયાવી તાન

બળી બળાપે  ઝુરી એહના ઝુરાપે  જોબન ઝેર જાય સરી

ખોઈ એ અહંકારી સ્વભાવ રાખવી  બસ  આતમની આન

            

સૂકી ડાળીએ ના પાંદડાના તાલ  તોયે  ગુંજે જીવન ગાન

ખાલીપામાં થતું  ખુદને ખરું ખુદા  સાથેના  સંબંધનું ભાન

સમીર શરણાઈએ  ડોલતી એ ડાળીઓ  હરખાઈ  ગૈ ખરી 

ખંખેરી ખુદનો લગાવ હળવા બનવામાં છે  હસ્તિની શાન   

           

દિલીપ ર. પટેલ

ઓરેન્જ, કેલિફોર્નીયા 

મે, 19, 2006  



Gujarati poems by Dr. Dilip Patel, MD

માભોમ આવે

 

 

સી યુ અગેઇન કરતાં તમારું એ આવજો મધમીઠું લાગે

હાય હેલો  ફ્રેંડશીપ   બને દોસ્તી તો શમણું અણદીઠું જાગે

હમદર્દીલાં દિલડાંનો ધબકાર સંભળાયે આલિંગન વિના

ચોટદાર એનો એવો ઉન્માદ આઈ લવ યુ અણકીધું વાગે

 

પરભોમમાં ઓમનું છૂંદણું જોઇને જોમ આવે

હોમસીકને આમ મળવા જાણે માભોમ આવે

 

હતાશ હું બેભાન રહું છોને ઇ આર હો સારવારે

જો ઉં તરત કેમ છો શબ્દ પડઘા થઈ આવે

 

ક્ષુધાસભર આળોટું વિદેશી વાનગી વચાળે

ખાઉં ઓડકાર જો ખીચડી ખાટી છાશ આવે

 

ચકરાઉં બસ નૉર્ડસ્ટ્રોમ મેસીસ ઝાકજમાળે

ચીંથરાને ચૂમું જો મૅઈડ ઈન ઇંડિયા આવે

 

લૉટરી કૂપન યા જૉબ-લેટર ગાર્બેજ ભાળે

ફાટેલ દેશી ટપાલમાં અક્ષર મોતી થૈ આવે

 

કુમ્ભકર્ણ થઈને નસ્કોરું ક્રીસમસનીય સવારે

સફાળો જાગું જાગો રે પ્રભાતિયે સાદ આવે

 

ભટકે બેતાળાભરી નયના ઇંટરનેટના મેળે

મળે ગુજરાતી ફોંટ તો બેસવાનું ઠામ આવે

 

ડોલર નામે સાહ્યબી છો ના દોમદોમ આવે

દોલતમાં દિલને ભાગે જો કાણી પાઇ આવે

 

દિલીપ આર. પટેલ

ઓરેંજ, કેલિફોર્નીયા

મે, 22, 2006

 

More Poems on the Next Page. Click here.

 

 





More Poems on the Next Page. Click here.