ગઝલ (Gujarati Gazals) #7

Previes page of Gazals


 



આદિલ મન્સૂરી

                                                            

મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી,

સેંકડો  જન્મોની  છાયા  જિંદગીના  રણ  સુધી.

                                                    

વાત વિસ્તરતી ગઈ કારણની સીમાઓની બ્હાર,

બુધ્ધિ તો અટકી ગઈ પહોંચીને બસ કારણ સુધી.

                                                        

બ્હાર  ઘટનાઓના  સૂરજની  ધજા  ફરકે  અને,

સ્વપ્નના  જંગલનું  અંધારું  રહે  પાંપણ  સુધી.

                                                    

નિત્ય પલટાતા સમયમાં અન્યની તો વાત શી,

મારો ચ્હેરો સાથ ના આપે  મને  દર્પણ  સુધી.

                                                     

કાંકરી  પૃથ્વીની  ખૂંચે છે  પગે પગ  ક્યારની,

આભની સીમાઓ  પૂરી થાય છે  ગોફણ સુધી.

                                                     

કાળનું કરવું કે ત્યાં  આદિલ સમય થંભી ગયો,

જ્યાં યુગોને હાથ પકડી લઈ ગયો હું ક્ષણ સુધી.

                                                     

આદિલ મન્સૂરી


ગઝલ (Gujarati Gazals)

Previes page of Gazals


અદમ ટંકારવી

                       

હું તો  માનું છું  કે હું છું  શાયર

કિન્તુ  ડાર્લિંગ  કહે  છે : લાયર

                                 

સ્હેજ અડતાં જ  શૉક લાગે  છે

લાગણી હોય છે  લાઈવવાયર

                                

અર્થનો  રોડ  છે  ખાબડખૂબડ

ને વળી  ફ્લૅટ  શબ્દનું  ટાયર

                                   

દૂર સહેજે નહિ તો દાઝી જઈશ

ધૅટ  ગર્લ ઈઝ  સ્પિટિંગ  ફાયર

                                   

ફાસ્ટ ફૂડ  જેવી  ગઝલ  વેચું છું

કિન્તુ ક્યાં કોઈ છે અહીંયા બાયર?

                                    અદમ ટંકારવી



જે સપનું ચાંદનીનું છે

ખરીદી લીધું છે રાતે જે  સપનું  ચાંદનીનું છે

અરે ઓ સૂર્ય આ વેચાણ  તારી  રોશનીનું છે

                                              

થયા છે એકઠા પાછા ફરી  શ્વાસોના સોદાગર

ફરી રસ્તા ઉપર લીલામ કોની  જિંદગીનું  છે

                                                 

બિચારાનું હશે કિસ્મત રહ્યા અરમાન હસવાના

કફન તો સૂકવી આપો હજી આંસુથી  ભીનું  છે

                                                  

અમે ભિક્ષુક ખરા પણ આટલું તો માન સચવાયું

હજી આ પાત્ર  ભિક્ષાનું  અમારી  માલિકીનું  છે

                                                    

મળી છે રાત અંધારી  અને બોલી નથી  શકતા

અરે સૂરજના સોદાગર  વચન તો ચાંદનીનું છે

                                                      

કરે  તપ   દેશભક્તિનું   નચાવે   લોકશાહીને

બરાબર જોઈએ તો રૂપ  આ  નેતાગીરીનું  છે

                                                   

જરા ચેતીને  આદમ  ચાલજો નેતાની સંગતમાં

કે ખિસ્સામાં તો કાંટા છે અધર પર સ્મિત કળીનું છે

શેખાદમ આબુવાલા