કેટલીક ગઝલ- અંકિત ત્રિવેદી (Ankit Trivedi)

કેટલીક ગઝલ

1-

મેં હજી મત્લા કર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?
તોય ડૂમો કરગર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?

વાત જે ના થઈ શકી એનો નશો, મિસરો બનીને,
ધીરે ધીરે વિસ્તર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?

સાંજની ભીની હવા પરના રદીફનો હાથ ઝાલી,
કાફીયાને કોતર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?

તેં કરેલા સૌ ખુલાસાઓની આગળ માત્ર મેં તો,
શેર આ સામે ધર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?

2-

જ્યારે મળું ગઝલમાં ખૂબ જ નજીક લાગે,
પંડિતનો સાથ લઉં છું, તો માથાઝીક લાગે.

માણસના વેશમાં અહીં ઈશ્વર ઘણા મળે છે,
ઈશ્વરને જઈ કહો કે માણસ કદીક લાગે.

અર્પણ કરું છું સઘળું, કાયમ પડે છે ઓછું,
થોડુંક પણ એ આપે તો પણ અઘિક લાગે.

ઉપરથી તો બધાની જેમ જ ગમાડવાનું,
છો ખાનગીમાં તમને ઠીક ઠીક લાગે.

ચારે તરફ નગરમાં બનતું નથી કશું પણ,
છે રાબેતા મુજબનું તેથી જ બીક લાગે.

3-

ઉઘાડા બારણે થડકો થઈને કઈ રીતે આવી?
તને કહું છું, જૂનો લ્હેકો થઈને કઈ રીતે આવી?

તું તો અજવાળું માફકસરનું પીરસતી રહી કાયમ,
દીવાની વાટ, તું ભડકો થઈને કઈ રીતે આવી?

ભુલાયેલી ઘણીયે સાંજને પૂછું છું રસ્તા પર,
નર્યા વરસાદમાં તડકો થઈને કઈ રીતે આવી?

તને દરરોજ જોઉં છું સતત મારા ઉપર હસતા,
ઉદાસી આજ ઉમળકો થઈને કઈ રીતે આવી?

પીડા તો છે પીડા જેવી ને એના ભાગ્યમાં ડૂમો,
ગઝલમાં આવી તો ટહુકો થઈને કઈ રીતે આવી?

અંકિત ત્રિવેદી
પ્રકાશિત ગઝલસંગ્રહ: ગઝલપૂર્વક
પ્રકાશક: ઈમેજ પબ્લિકેશન્સ, મુંબાઈ/અમદાવાદ
પ્રાપ્તિસ્થાન: info@imagepublications.com