દિલીપ ઝવેરી (Dilip Zaveri)

ખંડિત કાંડ


કિમિદં વ્યાહૃતં મયા

અક્ષર અક્ષર વચ્ચે
થોડું ખરબચડું
પણ સાચ હજો.

થોડા પથરા
થોડા ઠળિયા
થોડાં પીંછાં
થોડી ચગદેલી આંગળીઓ
થોડું લોહી
થોડાં આંસુ
થોડો ખારો કડવો તેજાબી
પણ સ્વાદ હજો.

ડૂસકાં, ચીસો, રાડ
થથરતાં જાનવરોનો ભાંભરિયો ઘોંઘાટ
તૂટતાં નળિયાં , બળતાં વળિયાંનો તતડાટ
તરડતા કાચ, ભાંગતાં ઠામ,

વછડતાં જોડાં
નીંદરહબક્યાં બાળ
બટકતી કળી, ઉખેડ્યો છોડ
ખોખરાં કાઠ વ્હેરતી કરવતનો
ખોંખાર હજો.

અક્ષર અક્ષર વચ્ચે
થોડા ઘાવ ફફોલા, રાખ, ધૂવાંડા
થોડો પણ સૂનકાર હજો.

- દિલીપ ઝવેરી

કવી પરીચય

          1992 -  ડીસેમ્બરના બાબરી મસ્જીદના ધ્વંસ બાદ દેશભરમાં ફેલાયેલા અભુતપુર્વ હત્યાકાંડથી વ્યથીત થયેલા, અને વ્યવસાયે ડોક્ટર એવા આ કવીએ તે ઘટનાના સંદર્ભમાં ઘણા કાવ્યો લખેલા છે. તેમાંનું આ એક કાવ્ય છે.
           ધાર્મીક ઝનુનમાં પાગલ બનેલા ટોળાંના તાંડવથી પ્રગટતો આર્તનાદ અને ચીત્કાર અહીં શબ્દે શબ્દે ડોકીયાં કરતો અનુભવી શકાય છે, અને આપણી સંવેદનાને વ્યથીત કરી મુકે છે.