ડો. દીનેશ શાહ (Dr Dinesh Shah)


ડો. દીનેશ શાહ છેક  1962 થી ફ્લોરીડા, અમેરીકામાં સ્થાયી થયેલા છે.  બહુ જ નિપુણ બાયો ફિઝીસીસ્ટ હોવા ઉપરાંત તેઓ હૃદયથી કવિ છે અને ભારતમાં સમાજ સેવાના ઘણા કામોમાં આર્થિક અને સક્રિય ફાળો આપતા એક ‘માણસ’ કહેવાય તેવા માણસ છે. પિસ્તાલીસ વર્ષ અમેરીકામાં ગાળ્યા છતાં હજુ તેઓ નખશીશ ભારતીય  રહી શક્યા છે.  

2000 ની સાલમાં તેમનાં પત્ની સુવર્ણાબેનનું અવસાન થતાં, પાણીમાં એકલા ઉભેલા કમળની જેમ  સતત ખાલીપો અનુભવતા, કવિએ અહીં ઠોસ સ્વાનુભવની શોકમય અભિવ્યક્તિ કરી છે. શ્રી. પુરૂષોત્તમ ઉપાધ્યાયે આ ગીતને સ્વરબધ્ધ કરેલું છે.

સાથી વિનાનું જીવન - ડો. દીનેશ શાહ

ઝાંઝવાના જળ જેવું, આ જીવન શાને લાગે રે?
સરોવર કે નદીયું નહીં, તો યે કાયા તરતી લાગે રે.

ગામ નહીં ને સીમા નહીં, ફક્ત રસ્તા લાંબા લાગે રે.
સાંજ નહીં કે સવાર નહીં, કાયમ સૂરજ માથે લાગે રે.

આંખ ખોલું ને આંખ મીંચું, એમાં દા’ડો વહી જાતો રે.
કોઠી ભરું ને ખાલી કરું, એમાં જન્મારો વહી જાતો રે.

પાથર્યા ગુલાબો રસ્તા પર, તો’ય કાંટા ક્યાંથી વાગે રે?
એક કમળ ઉભું પાણીમાં, એને પોતાનું કોઇ ના લાગે રે.

વગર વાદળે, વગર વરસાદે, ભીજાતી કાયા લાગે રે.
અનંત ને અંધારી રાતમાં, જીવન સપનું લાગે રે.

એકલ ઘાટે કોઇ મળે અજાણ્યું, તો ય જાણીતું લાગે રે.
જીવનભરના સૌ જાણેલાં, કેમ અજાણ્યા લાગે રે?

- ડો. દીનેશ શાહ


જીવનની શોધ 

ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યાં શ્રાવણના આ પાણી
વહેતી નદીયું શોધે તારી કોઇ એક એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

કાંઠા જોયાં, કંકર જોયાં, ગાગર ને પનિહારી
જંગલ જોયાં, ખેતર જોયાં, દોડી જોજન ભારી
તો યે ના દેખાણી તારી કોઇ એક એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

નાવિક જોયાં, યાત્રિક જોયાં, અમીર ને ભિખારી
સાધુ જોયાં, સંતો જોયાં, મંદિરની ભીડ ભારી
તો યે ના દેખાણી તારી કોઇ એક એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

ચાલી આગળ, મળતી સાગર, ગાજે ખારા પાણી
વાદળ થઇને ઉપર જાતાં, નદીયુંના આ પાણી
મીઠાં જળ બિંદુ થઇ પડતાં, જોઇ તુજ એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

એક નહીં પણ અનેક રૂપમાં જીવન સરિતા વહી જાતી
અનંત છે એનો પ્રવાહ, ભલે દીશાઓ બદલાતી
એંધાણી એની સૌ શોધે, તોય યુગ યુગથી અણજાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

———————————————————————-
જીવનના સહારા

મારા જીવનના બે છે સહારા
વહેતાં ઝરણાં ને ખરતા સિતારા

વીંધી શીલાઓ વહી આગે જાવું
મળે ના કદી જો મુજને કિનારા

અંધારી રાતે ઝબકી બુઝી જાવું
ભૂલ્યા પ્રવાસીને દઇને ઇશારા

મારા જીવનના બે છે સહારા
વહેતાં ઝરણાં ને ખરતા સિતારા

- ડો. દીનેશ શાહ