હરિશ્ચન્દ્ર ભટ્ટ (Harishchandra Bhatt)

નિર્દોષ ને નિર્મળ આંખ તારી - હરિશ્ચન્દ્ર ભટ્ટ
December 6, 2006 at 1:00 am · Filed under kavilok / કવિલોક, ગુજરાતી કવિતા (Gujarati Kavita) · Edit

નિર્દોષ ને નિર્મળ આંખ તારી
હતી હજી યૌવનથી અજાણ,
કીધો હજી સાસરવાસ કાલે,
શૃંગાર તેં પૂર્ણ ચિતા મહીં કર્યો !

કૂંળી હજી દેહલતા ન પાંગરી
કૌમાર આછું ઊઘડ્યું ન ઊઘડ્યું,
પ્હેરી રહે જીવન ચૂંદડી જરી,
સરી પડી ત્યાં તુજ અંગથી એ !

સંસારના સાગરને કિનારે
ઊભાં રહી અંજલિ એક લીધી,
ખારું મીઠું એ સમજી શકે ત્યાં
સરી પડ્યો પાય સમુદ્રની મહીં !

છો કાળ આવે, શિશિરોય આવે,
ને પુષ્પ કૂંળાં દવમાં પ્રજાળે;
સુકોમળી દેહકળી અરે અરે
વસંતની ફૂંક મહીં ખરી પડી !

- હરિશ્ચન્દ્ર ભટ્ટ



સીમાડા

હૈયાના બારણાની ભોગળો ભેદવી,
ઉંબર સીમાડો ઓળંગવો જી.
અજવાળી રાતડીએ શેરીઓ છોડીને
ચોક ને ચૌટામાં ભમવું જી.
વહેલે પરોઢિયે કૂકડો બોલાવે
ગામના સીમાડા એ છોડવા જી.
કપાસકાલાંનાં ખેતરો ખૂંદતાં
ઊંડાં તે વનમાં ચાલવું જી.
વનના સીમાડા એ છોડવા છે મારે
રણની વાટડીએ દાઝવું જી.
રણની તે રેતીમાં ભૂલા પડીને
સાગરને સીમાડે પહોંચવું જી.
સાતે સાગરને ખૂંદી વળીને
ધ્રુવનું નિશાન મારે ધરવું જી.
ધરણી સીમાડા એ છોડવા છે મારે
ઊંચા ગગનમાં જાવું જી.
પહેલો સીમાડો આ હૈયાનો છોડવે
એને આપું ભવોભવની પ્રીતડી જી.

હરિશ્ચન્દ્ર ભટ્ટ
જીવનકાળ: ડિસેમ્બર 6, 1906- મે 18, 1950

ડબલ્યુ બી. યેટ્ સને - હરિશ્ચન્દ્ર ભટ્ટ

આષાઢ વાદળ મહીં તરતો મયંક :
ઘેરો, ગંભીર, કરુણાર્દ્ર, અશાન્ત, દીન
ને ક્લાન્ત, ખિન્ન, તરલોર્મિ વહન્ત પ્રેમ .

એવાં જ નેન -
રાતાં ગુલાબ, ગત પ્રેમની આરજૂ,
ને હૈયાની એ જ જગજૂની વ્યથાની વાત.
સૌન્દ્રર્ય- ભાન – ભરતી સઘળું કળ્યું તે;
સ્વર્ધૂનીતીર ગતયૌવન વૃધ્ધનીયે
તેં સાંભળી સ્વમુખની ઉપહાસ વાત :
’ જે હોય સુંદર, બધું જલશું તણાતું
આઘે ‘ -

- હરિશ્ચન્દ્ર ભટ્ટ