Ninu Mazmudar

નિનુ મઝુમદાર (Ninu Mazmudar)

 Ninu Mazmudar    

જીવનકાળ: નવેમ્બર 9, 1915 - માર્ચ 3, 2000

જાણીતા ગીતકાર અને સંગીતકાર; ’નિરમાળ’ એમનો કાવ્યસંગ્રહ.

વધુ માહિતી માટે http://www.kaumudimunshi.com/ninu.html
 


પંખીઓએ કલશોર કર્યો

      

પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને સૂરજ ચૂમ્યો,

કૂથલી લઈને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો

વનેવન ઘૂમ્યો.

       

ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,

શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો

ઘૂમટો તાણ્યો.

       

પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,

નીરખે આભની આતુર આંખો દોડી આવી દિગનારી

આવી દિગનારી.

       

તાળી દઈ કરે ઠેકડી તીડો, તમરાં સિસોટી મારે,

જોવા તમાશો આગિયા ચાલ્યા બત્તી લઈ દ્વારે દ્વારે

ફરી દ્વારે દ્વારે.

      

રાતડીના અંઘકારની ઓથે નીંદરે અંતર ખોલ્યાં,

કૂંચી લઈ અભિલાષની સોનલ હૈયે સમણાં ઢોળ્યાં

સમણાં ઢોળ્યાં.

         

નિનુ મઝુમદાર

જીવનકાળ: નવેમ્બર 9, 1915 - માર્ચ 3, 2000

જાણીતા ગીતકાર અને સંગીતકાર; ’નિરમાળ’ એમનો કાવ્યસંગ્રહ.

વધુ માહિતી માટે http://www.kaumudimunshi.com/ninu.html   



પુન: - પુન: - પુન: - પુન: -

નિનુ મઝુમદાર

         

પુન: - પુન: - પુન: - પુન: -

(છંદ: મંદાક્રાંતા)

        

ઠંડી રાતો ગઈ શિશિરની, કૈંક વીતી વસન્તો,

સેવી ગ્રીષ્મે તપતી ધરતી કૈંક વેળા ફરીને,

ઝંઝાવાતો ફરી ફરી લઈ નિત્યની આવી વર્ષા,

ભાળ્યા ચંદ્રો શરદઋતુના, હૂંફ હેમન્ત લાધી, -

બારે માસો સતત ફરતા વર્ષમાં એ જ રીતે;

પ્રાત: સંધ્યા સરકતી પુન: રેલતી એ જ રંગો,

ઊગ્યો પાછો દિનકર અને આથમ્યા એ જ તારા,

વ્યોમે નિત્યે રટણ કરતી નીરખી એ જ માળા

               

જાગ્યો સૂતો, દિવસ રજની જેમ વીત્યાં, વિતાવ્યાં;

જન્મ્યો, જીવું ભ્રમણ કરતો એકનાં એક ચક્રે :

ચાલે જ્યાંથી ફરી અટકતી જિન્દગી પાછી ત્યાંથી-

-ચાલે જ્યાંથી ફરી અટકતી જિન્દગી પાછી ત્યાંથી-

-ચાલે જ્યાંથી ફરી અટકતી જિન્દગી પાછી ત્યાંથી-

કાળે જાણે બગડી ગયલી કોઈ રેકર્ડ મૂકી

           

નિનુ મઝુમદાર

જીવનકાળ: નવેમ્બર 9, 1915 - માર્ચ 3, 2000

જાણીતા ગીતકાર અને સંગીતકાર; ‘નિરમાળ’ એમનો કાવ્યસંગ્રહ.