અમૃતને ઝેર - પિનાકિન્ ઠાકોર (Pinakin Thakor)

અમૃતને ઝેર

આજ મેં તો હોઠે આવેલું પાછું ઠેલ્યું,
હાય, મેં તો અમૃતને ઝેર કરી મેલ્યું.
રે આજ મેં તો..

બળતે બપોર જલી ઊઠું જે ઝંખનાએ વાદળની વાટ લહી પેલી,
અધરાતે તારાની કીકીઓમાં જાગી મારી આરત ઝૂરે છે ઘેલી ઘેલી.
કુમળું આ કાળજું તો કંપતું લગારમાં તે
કેમ કરી આગ સંગ ખેલ્યું !
રે આજ મેં તો..

આખો અવતાર જેની અંતરનાં બારને મેં ખુલ્લાં રાખીને રાહ જોઈ,
એના આગમને આંખોએ અંધ, રહ્યું હૈયુંયે ઝાર ઝાર રોઈ,
કામનાની કમનીય એ કાયાના લોભને
આછું ના અંગ મારું હેલ્યું.
રે આજ મેં તો..

આંખોનાં આંસુની પારના પ્રદેશમાં તે ભોમિયા પ્રવાસી તોય ભૂલે,
અધરેઅધરના મિલાપમાંય અંતરપટ ઝીણો નિ:શ્વાસ તણો ઝૂલે.
રાગનાં કસુંબલાં તેજની તે આડ કરી
કાજળ અભિમાન તણું રેલ્યું.
રે આજ મેં તો..

પિનાકિન્ ઠાકોર
જીવનકાળ: ઓક્ટોબર 24, 1916 - નવેમ્બર 24, 1995