આઝાદી - રમેશ પટેલ (Ramesh Patel)

ઉપાસના કાવ્યસંગ્રહમાં “ઉપાસના”ને આવકારો આપતાં શ્રી દોલત ભટ્ટ લખે છે: કવિ આ સંગ્રહમાં બહુધા વતનપ્રેમ, દેશભક્તિ અને શૌર્યનું રસપાન કરાવવાનો પ્રબળ પુરુષાર્થ કરી શબ્દ ગુંથણી કરી કેટલેક અંશે સિધ્ધિના શિખર સર કરે છે. મા ભોમ પ્રત્યેની ભારોભાર ભાવનાથી ભિંજાઈ “રણભેરી” રચનામાં તેમની કલમ શૌર્ય પાન કરાવતા કથે છે :   

આ ધરણીએ પાયા પ્રેરણાના પાન, જાગો રે જાગો મા ભોમના સંતાન આતતાયી ઠેરઠેર ખેલે રે અગન, મસ્તકે કફન બાંધી ખેલો રે જવાન.

આજે 15 મી ઓગષ્ટ 2007 ના રોજ ભારત ભોમને  આઝાદી મળ્યે 60 વર્ષ પૂરાં થાય છે.  આ નિમિત્તે કવિલોક  મા ભોમ પ્રત્યેની શુભભાવનાથી ભિંજાઈ શુભકામનાઓ પાઠવે છે ને વાચકોને ઉપાસના કાવ્યસંગ્રહમાંથી આઝાદી અને રણભેરી   કાવ્યકૃતિઓ પીરસે છે.    

દે આ દેશ દુહાઈ…….રમેશ પટેલ ‘આકાશદીપ’

અન્ના તારી અમર કમાઈ, ધન ધન તવ સચ્ચાઈ

જીવ્યા જીવન જન સેવામાં, ખર્ચી સુખદ તપાઈ

ભ્રષ્ટાચાર કરે દુર્દશા , બહુ જ છકે ઠકુરાઈ

આવ્યો સાવજસો દિલ્હીમાં, દીધી વતન દુહાઈ

હથિયાર અહિંસાનું અમોઘ, છેડી ક્રાન્તિ લડાઈ

છે લડવી બીજી આઝાદી , જાગો દો ઉતરાઈ

ઉપવાસી અન્ના દે હાક , હો દૂર ભાગબટાઈ

માયાવી રાજ રમત હાલી, ધોખા ને ચતુરાઈ

રાષ્ટ્રનાયક તવ અન્નાગિરી, તોલે જગ શઠાઈ

તારી વાણી વચન કહાણી, દે આ દેશ દુહાઈ

ધન ધન અન્ના તારી કમાઈ (૨)

- રમેશ પટેલ ‘આકાશદીપ’

 

આઝાદી…રમેશ પટેલ ‘આકાશદીપ’

આઝાદીનો આંચલ ઓઢી પ્રગટ્યું નવલ પ્રભાત
હરખ સજીને ફરફર ફરકે ત્રિરંગી તાકાત
પાવન પર્વ પંદરમી ઑગષ્ટ ઉમંગી સરતાજ
જયહિંદ જયઘોષથી ગજવીએ લોકશાહીનાં રાજ
………………………………………………….

મળી આઝાદીને ,જનજન ઉરે આશ જનમી
ધન ધન અમે માત ગરવી,
હવે માને ખોળે, વતન સજવા જાત ધરવી

ધરા લીલુડી ને, ખળખળ વહેતાં પાક ઝરણાં
પળપળ દિલે હેત ભરતાં,
અમે ધાશું જોમે, જતન કરવા ભાવિ વરવાં

સજાવીશું માને, હર ચમન ફૂલે અમનથી
નવયુગે તને કોટિ કરથી,
દઈશું સન્માનો, વચન વટ હામે હરખથી

અમે તારા કાજે, વિકટ પથડે જંગ લડશું
ધવલ યશથી રંગ ભરશું,
ત્રિરંગા ઓ મારા, ફરફર દિલે લાડ કરશું

થઈ ગર્વી ગાશું, અમર લડવૈયા શુભ દિને
ગદ ગદ થઈ ભાવ ધરશું,
રૂડી આઝાદીનાં, મધુર ફળનાં ભાગ્ય રળશું

રમેશ પટેલ ‘આકાશદીપ’

 

1- આઝાદી

જનજનની શક્તિ ઊભરી, વતનને દીધી આઝાદી
વીરોની આ  ભૂમિ ભારતી,  ગજગજ ફૂલવે છાતી

રંગ દીઠા સવા સવૈયા, આઝાદીના મહા લડવૈયા
જનમભૂમિનાં રતન રૂપાળાં, પ્રગતિપંથના ખેવૈયા

સાગર ઘૂઘવે ગગન ગજવતો, સોમથી બાંધી નાતો
લીલાછમ લહેરે વગળાં ખેતરો, પંખી ગાતાં ગીતો

વતન  અમારું  પ્યારું  પ્યારું, શૌર્ય  શક્તિથી  શોભે
અહીંયાં આદર સ્નેહ સમર્પણથી યશપતાકા લહેરે આભે

આકાશ આંબશું મહાશક્તિથી, કરી નૂતન યુગ મંડાણ
ધીંગી ધરાના સંસ્કાર શોભાવી પથ્થરે પૂરશું પ્રાણ

દઈ પડકારો રંગે રમશું, માપશું નયા આયામ
ગાંધી રાહે દોરી જગને માતૃભૂમિને કરશું સલામ

આઝાદ દિન પંદરમી ઓગષ્ટ, આનંદ અંતરે ઝૂમે
અણમોલ અમારી આઝાદી, ભારતનો ત્રિરંગો રંગે પ્રેમે

  

2- રણભેરી  

વાગે  રણભેરી  ને ગાજતું  ગગન,  ના ઝૂકજે  દેખી  દુશ્મનોનાં  દમન
તારો ભરોસો રે ભગવાનને અટલ, અપલક અવનિ નીરખે તારું શૂરાતન

જુસ્સાથી જંગ તમે ખેલજો જવાન,  દીધી છે આણ ધરી સૂરજની શાખ
ગજાવજો સમરાંગણ શૌર્યથી દિનરાત, રચજો કીર્તિગાથા માભોમને રે કાજ

માનવતાએ આજ દીધો તુજને મહાસાદ, યુધ્ધ એજ માનજો હવે કલ્યાણ
જુલ્મોને આપવા સવાયો જવાબ, સમરાંગણે શૂરાઓ આજ કરજો પ્રયાણ

દાવપેચી દુશ્મનોએ ધરિયાં બહુરૂપ, શતરંજની ચાલથી ખેલશે રે દાવ
શૌર્યથી શોભાવજો સિંહકેસરીની કાયા, ધર્મપથથી રાહે ઝીલજો રે ઘાવ

આ ધરણીએ પાયાં પ્રેરણાનાં પાન, જાગો રે જાગો મા ભોમના સંતાન
આતતાયી ઠેરઠેર ખેલે રે અગન, મસ્તકે કફન બાંધી ખેલો રે જવાન

સુણજો માભોમના અંતરના સાદ, જંગમાં ઝુકાવો લાલ કરતા સિંહનાદ
ધ્રુજાવજો ધરણી ને શત્રુઓના હામ, રખોપા કરજો તમે ભારતીના લાલ

દીઠા તારા બાહુમાં હસ્તીનાં રે બળ,  રોમરોમ પ્રગટે  સાવજના શૌર્ય
મહા ભડવીર હૈયામાં રાખજો રે હામ, હાક દેજો માનવતાની રાખવાને લાજ

રમેશ પટેલ ‘આકાશદીપ’
કાવ્યસંગ્રહ: ઉપાસનામાંથી સાભાર


ચાની રંગત - રમેશ પટેલ (Ramesh Patel)

ચાની રંગત

હું નગરચોકનો ચાવાળો, ટી-હાઉસનું પાટિયું ઝુલાવું
એવી ચા બનાવું કે હેરત પામે પીવાવાળો
ચાલો આજ સૌ ચાની રંગત માણો

કોઈક માગે કડકી-મીઠી, તો કોઈ માગે મોરસ વિનાની
કોઈ કહે સ્પેશીયલ લાવો, તો કોઈને ગમે ઈલાયચીવાળી
ચોકલેટ ટી ભૂલકાઓ માગે, મોટા માંગે ફૂદીનાવાળી
ચાલો આજ સૌ ચાની રંગત માણો

કોઈ પીવડાવે ચૂંટણી જીતવા, તો કોઈ નાના મોટા કામે
કોઈ પીવડાવે ગામ ગપાટે, ને બાદશાહીની થાતી બોલબાલા
આજ ઘર હોય કે ઓફિસ, ચાની ફેશન નીકળી ભારી
ચાલો આજ સૌ ચાની રંગત માણો

સવાર થાય ને સૌને સાંભરે, પ્રભાતિયાની જેમ
ના મળે તો ઝગડો જામે, જોવા જેવી થાય
આખા દિવસની રંગતની થઈ જતી હોળી
ચાલો આજ સૌ ચાની રંગત માણો

ભેળા થાય ભાઈબંધો કે સાહેલીનાં ટોળાં,
મળી જાય મોંઘેરા મહેમાન કે આડોશી પાડોશી
એક મસાલેદાર ચા વગાડે સ્નેહ ઢોલનો ડંકો
ચાલો આજ સૈ ચાની રંગત માણો

કોઈ પીએ છે ઊંઘ ઉડાડવા, તો કોઈ તાજગી માટે
ચાના બંધાણીની ચા છે રાજરાણી રૂપાળી
મોંઘવારીના જમાનામાં અડધી ચા પણ દીઠી કમાલ કરતી
ભોજન ખર્ચ બચાવી જાણે, ઈજ્જત બક્ષે રસીલી
ચાલો આજ સૌ ચાની રંગત માણો

રમેશ પટેલ ‘આકાશદીપ’
કાવ્યસંગ્રહ સ્પંદનમાંથી સાભાર