સરૂપ ધ્રુવ, Sarup Dhruv

કન્ટેમ્પ્ટ ઓફ ધી કોર્ટ

હા,
અહીં જ બાળી’તી એને
અથવા તો પછી દફનાવી’તી
કે પછી કાગડા- સમડીનાં મોઢે નાખી દીધી’તી દેહ ઉપર દહીં ચોપડીને.
અહીં જ
મુઠ્ઠી ભરીને માટી વાળી’તી
એની કાયાની બચીખૂચી રેખાઓ ઉપર.

આવતીકાલે
વાદળ ઘેરાશે, વીજળી ત્રાટકશે
અને તૂટી પડશે મોસમનો પહેલ્લો વરસાદ.

પરમ દિવસે સવારે
કવિ
બારી ખોલીને ડોકિયું કરશે બહાર
ને જોશે કે + વરાપની સાથે સાથે જ
ઊગી નીકળ્યા છે અંકુર લીલાછમ.

પછી તો રોજેરોજ
તસુતસુભર વધતું જશે એ વૃક્ષ
અને કવિ કાન માંડીને સાંભળ્યા કરશે ક્ષણેક્ષણ
પેલી સેંકડો ડાળખીઓને…
પેલાં શતસહસ્ર પાનને…
અડીખમ થડની ખરબચડી ખાલનાં પડેપડને
ભેદીને ધસી આવતા જુગજૂના ચિત્કાર.

કવિ સાંભળીને સંભળાવશે
સાત સાગર પાર… દસે દિશાઓમાં… ક્ષિતિજનીયે આરપાર.
અને ત્યારે તો
વારંવાર ટેબલ ઉપર પછડાતી
ને ઓર્ડર-ઓર્ડર બરાડતી આ હથોડી પણ અટકી જશે પળવાર.

ને એક દિવસ ઊંચકાશે અધ્ધર એ જ હથોડી….
આવશે નીચે ને ધણધણાવશે ઘંટ, ઝરૂખે ઝરૂખે લટકતા, ઘંટ ઘનઘોર !
પછી તો
ખૂલી જશે બારીઓ… બારણાં… કમાડ… દરવાજા… આગળા… ભોગળ… ભડોભડ… અને
સફાળી, આંખના પાટા સરકાવતી પેલી આરસપૂતળી
જોશે પહેલીવહેલી વાર જગનો ઉજાસ
અને પેલા વૃક્ષ ઉપર ખીલી ઊઠેલાં લાખલાખ પલાશ.

- સરૂપ ધ્રુવ  :  કવિ પરિચય

+ વરાપ = વરસાદ પછીનો ઉઘાડ

————————————————————–

છાતી પર હાથ મૂકીને કહેજો - આમાં સંભળાય છે તમને -
તમારી માતાનો આક્રોશ?