ભણકારા- બલવંતરાય ઠાકોર Balwantrai Thakor

January 4, 2007 at 1:00 am · Filed under kavilok / કવિલોકગુજરાતી કવિતા (Gujarati Kavita)

(મંદાક્રાન્તા )
આઘે ઊભાં તટ ધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે;
ઊંચા નીચાં સ્તન ધડકશાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મ્હારી.

માથે જાણે નિજ નરિ જુવે કાંતિ તો સૃષ્ટિ સૂતી,
ચોંકી જાગે, કુસુમવસને તેથિ જ્યોત્સ્ના લપાતી;
ને બીડેલાં કમલ મહિં બંધાઇ સૌંદર્ય ઘેલો
ડોલે લેટે અલિ મૃદુ પદે, વાય આ વાયુ તેવો.

ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ,
કે આંદોલૂં જરિ લય નવે બીનના તાર મંદ.
તેમાં આ શી – રજનિ ઉરથી, નર્મદા વ્હેનમાંથી,
સ્વર્ગંગાની રજત રજ, કે વાદળી ફેનમાંથી,

- પુષ્પે પાને વિમલ હિમ મોતી સરે, તેમ છાની
બાની ભીની નિતરિ નિંગળે અંતરે શીય, ‘સેહ્ ની’!

બલવંતરાય ઠાકોર ( ‘સેહ્ ની’)      :      જીવનઝાંખી

કાવ્ય સર્જનની પ્રક્રિયાને કુદરતના સૌદર્ય, શૃંગાર રસ અને વતન પ્રેમ સાથે ( જુઓ બીજી પંક્તિમાં - રેવા)  વણી લેતા  આ સોનેટમાં સાક્ષર યુગના આ મૂર્ધન્ય કવિના સંસ્કૃત છંદ, શબ્દો અને પદલાલિત્ય ઊપસી આવે છે.  વાણી વાપરી શકાયું હોત ત્યાં ‘બાની’ શબ્દ વાપરીને ‘ભીની’ સાથે લય સાધવા પ્રયત્ન કરેલો દેખાઇ આવે છે. તેમના શબ્દોની નાજૂકતા પ્રકૃતિ અને શૃંગારના વર્ણન સાથે તાલ મીલાવતી એક સુંદર ગેયતા અને સાયુજ્ય ખડું કરી દે છે.

———————–

દ્રુમો – વૃક્ષો ; રેવા – નર્મદા ; કુસુમવસને – કમળ જેવાં વસ્ત્રોમાં 
જ્યોત્સ્ના – રાત્રિ ; અલિ – ભમરો


જૂનું પિયેર ઘર - બળવંતરાય ક. ઠાકોર ( Balvantrai Thakor)

જૂનું પિયેર ઘર
(છંદ: મંદાક્રાંતા)

બેઠી ખાટે ફરિવળિ બધે મેડિયો ઓરડામાં,
દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં.
માડી મીઠી, સ્મિત મધુર ને ભવ્ય મૂર્તી પિતાજી,
દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી;
સૂનાં સ્થાનો સજિવન થયાં, સાંભળૂં કંઠ જૂના,
આચારો કૈં વિવિધ ઢબના નેત્ર ઠારે સહૂના:
ભાંડૂ ન્હાનાં; શિશુસમયનાં ખટમિઠાં સોબતીઓ
જ્યાંત્યાં આવી વય બદલિ સંતાય જાણે પરીઓ.
તોયે એ સૌ સ્મૃતિછબિ વિશે વ્યાધિ લે ચક્ષુ ઘેરી,
ન્હાની મોટી બહુરુપિ થતી એક મૂર્તી અનેરી:
ચૉરીથી આ દિવસ સુધિમાં એવિ જામી કલેજે
કે કૌમારે પણ મુજ સરે બાળવેશે સહેજે!

બેસી ખાટે પિયરઘરમાં ઝિંદગી જોઈ સારી,
ત્યારે જાણી અનહદ ગતી, નાથ મ્હારા, ત્ હમારી.

બળવંતરાય ક. ઠાકોર
જીવનકાળ: ઓક્ટોબર 23, 1869 - જાન્યુઆરી 2, 1952