ભાનુપ્રસાદ ત્રિવેદી (Bhanubhai Trivedi)

June 5, 2007 at 2:00 am · Filed under ગુજરાતી કવિતા (Gujarati Kavita)kavilok / કવિલોક

સમીસાંજરે


લાગણીઓનું ધણ આ આવ્યું ખીલે પાછું સમીસાંજરે,
ખડાં થઇ ગ્યાં સ્મરણ-વાછરુ: અરે ક્યારનાં અહીં ભાંભરે!

હડફડ ઊગી ગયાં ખોરડાં,
લચ્યો લીમડો શોરે,
ટોળે વળિયા ખણક-ઓરડા: નીરખે ટીંબો કોરે.
રણની વચ્ચે સાત સમુંદર, મઝધારે આ પલક નાંગરે.

ઉજાગરાનાં તેલ-કચોળાં
માંચી જોડે મૂક્યાં.
રણઝણ વ્હેલ્ય સમાં ઘરચોળાં
તોરણ નીચે ઢૂંક્યાં.
ઓકળીઓ થૈ ઊડ્યા ઓરતા વળગાડ્યા જે હતા ઝાંખરે…

આવી આવી બારણિયેથી
ગયા મેહ આથમણા,
ગઇ ઊપટી આંગણિયેથી
પાનખરોની ભ્રમણા,
કોણ સોડિયે દીવો લૈને હજી ઊભું આ જીરણ માંજરે?

ભાનુપ્રસાદ ત્રિવેદી

સાંજના સમયે જાગી જતા ગામડાના ઘરનું સજીવારોપણથી ભરપૂર વર્ણન અને ગ્રામ્ય પરિવેષમાં શોભતી આ તળપદી રચનાનું લય માધુર્ય ઊડીને આંખે વળગે તેવું છે.