ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ (Bhikhubhai Chavada)


..રસ્તો — ગઝલ -

April 16, 2007 at 6:56 pm · Filed under ગુજરાતી ગઝલ (Gujarati Gazal Shaayarkavilok / કવિલોક

તમે આઘા ખસો તો કેટલો લંબાય છે રસ્તો
નિકટ આવો તો આંખોમાં સમાતો જાય છે રસ્તો

તમે ચેતાવતા રહો છો છતાં પણ ઠેશ વાગે છે
તમે સામે હો ત્યારે ક્યાં મને દેખાય છે રસ્તો

કહો આ આપણા સંબંધની ના કઈ રીતે કહેશો?
કે મારે ત્યાંથી નીકળી આપને ત્યાં જાય છે રસ્તો

તમારી સોબતી છે એ, તમે આ ટેવ પાડી છે
નજરથી દૂર જઈને એટલે સંતાય છે રસ્તો

જતો’તો એમને ત્યાં, એ રીતે સામા મળ્યા તેઓ
પૂછીપૂછીને પુછાયું કે આ ક્યાં જાય છે રસ્તો

જતું રહેવું તમારું પગ પછાડીને જતું રહેવું
અહીં હું ખાલીખમ બેઠો અને પડઘાય છે રસ્તો

પ્રતીક્ષા નહિ કરો તો પણ એ કરવાની ફરજ પડશે
જુઓ ‘નાદાન’ બારીમાંથી ખુદ ડોકાય છે રસ્તો

ભીખુભાઈ ચાવડા ‘નાદાન’
જન્મ: સપ્ટેમ્બર 7, 1934
ગઝલસંગ્રહ: રજ રજ અચરજ