પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.
જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ,
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.
કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.
હરીન્દ્ર દવે
હરીન્દ્ર દવે
તારી ઊતરેલી પાઘ
તારી ઊતરેલી પાઘ મને આપ મારા સ્વામી,
મને ભગવા તે રંગ તણા ઓરતા;
મારા મૃગજળના ભાગ્યથી છોડાવ મારા સ્વામી,
મને ભગવા તે રંગ તણા ઓરતા… ટેક.
કહે તો હું વીજનો ઝબકાર થાય એટલામાં,
છોડી દઉં દોર ને દમામ,
વેણ તારું રાખવા હું રાજપંથ છોડીને,
કાંટાળી કેડી ચહું આમ,
થાળી લઈ રામ પાતર આપ મારા સ્વામી,
મને ભગવા તે રંગ તણા ઓરતા… 1
ફૂલ ફૂલ ભમતી આ આંખોને એકવાર,
ઓળખાવ તારું પારિજાત,
ઠેર ઠેર ભમતાં આ ચરણોને ક્યાંક જઈ,
પહોંચવાનું ઠેકાણું આપ,
ભવના જાળાને હવે તોડ મારા સ્વામી,
મને ભગવા તે રંગ તણા ઓરતા… 2
હરીન્દ્ર દવે
જીવનકાળ: 19-સપ્ટેમ્બર, 1930 ; ખંભરા ( કચ્છ ) થી 29- માર્ચ, 1995; મુંબાઇ
સાભાર: કીર્તન મુક્તાવલી
પ્રકાશક: સ્વામિનારાયણ અક્ષરપીઠ, શાહીબાગ રોડ, અમદાવાદ-380004
કવિ પરિચય માટે http://sureshbjani.wordpress.com/2006/10/26/harindra_dave/