હરજી લવજી દામાણી ‘શયદા’ (Kavi Harji Luvji Damani 'Shayada')

શયદા, Shayada

shayda.jpg“ફક્ત એમાં જ હું મારી ઇદ હમેશાં સમજું છું,
ખુદાનું નામ હો મુખ પર અને મુઠ્ઠી ચણાની હો.”

” હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.”

” તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે.
—–
અર્થની ચર્ચા મહીં ‘શયદા’ બધો જિંદગીનો અર્થ માર્યો જાય છે.”

# રચનાઓ        - 1 -   :   - 2 -  :   - 3 - 

# શયદા વિશે જ્યોતીન્દ્ર દવે

____________________________________________________________________
નામ

 હરજી લવજી દામાણી

જન્મ

24 ઓક્ટોબર 1892 ; ધોલેરા

અવસાન

 30 જુન 1962 ; મુંબાઇ

    More details about Harji Lavji Damani on Gujarati Sarswat Parichay

પ્રભુનું નામ લઈ          

        

તમારા  પગ  મહીં  જ્યારે પડ્યો છું;

હું સમજ્યો એમ - આકાશે ચડ્યો છું.  

          

જતાં  ને  આવતાં  મારે  જ  રસ્તે,

બની પથ્થર, હું  પોતાને નડ્યો છું.

                

ઊછળતું    દૂર    ઘોડાપૂર   જોયું,

અને  પાસે  જતાં  ભોંઠો  પડ્યો છું.

            

તમો  શોધો   તમોને  એ જ  રીતે,

હું  ખોવાયા પછી  મુજને  જ્ડ્યો છું.

            

ખુશી  ને  શોક, આશા  ને  નિરાશા,

નિરંતર એ  બધાં  સાથે  લડ્યો  છું.

        

પરાજય   પામનારા,  પૂછવું   છે  -

વિજય મળવા  છતાં હું કાં રડ્યો છું?

             

પ્રભુ  જાણે  કે  મારું  ઘર  હશે ક્યાં?

અનાદિ  કાળથી   ભૂલો  પડ્યો  છું!

           

મને  ‘શયદા’  મળી  રહેશે વિસામો,

પ્રભુનું  નામ  લઈ  પંથે  પડ્યો  છું.  

          

હરજી લવજી દામાણી ‘શયદા’


શયદાની રચનાઓ,

મુક્તક  

જિંદગીના ભેદ તારી બંધ મુઠ્ઠીમાં હતા
તું શાનથી આવ્યો હતો ને હાથ ખાલી જાય છે
ને વર્ષગાંઠો જિંદગીના દોરને ટૂંકી કરે
તો વર્ષગાંઠે બેસમજ શું જોઇને મલકાય છે.

——————————————————————

દર્દ તું

ઠોકરો રસ્તાની ખાશે દર્દ તું;
હઠ ન કર હેરાન થાશે દર્દ તું.

બેસ મારા દિલ મહીં આરામ કર;
બા’ર જઈ દુઃખમાં ફશાશે દર્દ તું.

ખા ખુશી મારી, અને મુજ ખૂન પી,
ભૂખ પ્યાસે ત્યાં રીબાશે દર્દ તું.

કોઈ પણ તારી કદર કરશે નહીં;
માન, છેવટમાં મુંઝાશે દર્દ તું.

એ અજાણ્યો માર્ગ તેં જોયો નથી,
ક્યાં મને છોડીને જાશે દર્દ તું.

જો હશે”શયદા”ના દિલની સાથમા;
પાંચમાં નક્કી પૂજાશે દર્દ તું.

(’ શયદાનો ગઝલ ગુલઝાર’  માંથી )

—————————————————

શ્વાસ મારો

આપણો છે, આપણો ક્યાં થાયછે?
શ્વાસ મારો જિન્દગીને ખાયછે.

દૂર છે ઘર, છે વિકટ રસ્તા બધા,
ઓ અજાણ્યા જીવ કયાં તું જાયછે?

નીકળી જા વિશ્વની ઘટ માળથી,
ફેર માં શું કામ ફેરા ખાય છે.

કોઈના પણ નામનો આધાર લે,
એ વિના સૌ અવનિમાં અટવાય છે.

એક એનુ નામ કંઈ ઓછું નથી,
અર્થ એના તો હજારો થાય છે.

ભેદ કયારે વેદના પામીશ હું?
કોઇનાથી ચાર આંખો થાય છે.

આજ “શયદા” વાત એ સમજી ગયો,
આપનો અન્યાય, એ પણ ન્યાય છે.

( ‘અશ્રુ ચાલ્યા જાયછે’ માંથી)

 -  જીવનઝાંખી

આ  રચનાઓ ટાઇપ કરીને મોકલવા માટે શ્રી. મહંમદ અલી ભેડુ ‘વફા’ નો ખૂબ આભાર