જલન માતરી (Jalan Matari)

દુઆ માટે

દવા માટે કોઈ વલખે છે તો કોઈ દુઆ માટે,
કરે છે ધમપછાડા લોક જીવન જીવવા માટે.

વખત પર ના ફળી જ્યારે દુઆ તો ભેદ સમજાયો,
કે બાજુમાંથી ઊઠ્યા’તા ઘણા હાથો દુઆ માટે.

છતાં અફસોસ કે જઈ માનવી ફેંકાય દોઝખમાં,
નહીંતર સ્વર્ગ ક્યાં સર્જ્યું છે તેં તારા ભલા માટે?

છે એનો સ્પષ્ટ મતલબ કે ખુદા ખુદ મૂડીવાદી છે,
મુકદ્દ્રર એકસરખા હોત ના નહીંતર બધા માટે?

બધા ઝગડાની જડ પણ તું જ, જિમ્મેદાર તું ઈશ્વર,
તું ધારત તો ન હોતે ધર્મ અહીં એક જ બધા માટે?

કોઈનો   એબ  જોવા   વેડફો  ના   તેજ   આંખોનું,
કે  એણે  આંખ  આપી  છે  તો  સારું  દેખવા  માટે.

હકૂમતના જ હાથોમાં જો હોતે જળ, હવા, ઓજસ,
‘જલન’ તકલીફ પડતે ખૂબ જીવન જીવવા માટે.

જલન માતરીમૃત્યુ મારું પોતાનું હતું

એટલા   માટે   રુદન  મારું  ઘણું   છાનું  હતું,
અશ્રુઓ સાધન તરસ મારી છીપાવવાનું હતું.

એના હાથે માનવી રહેંસાઈ ટળવળતો રહ્યો,
આ જગત એવું અધૂરું એક કતલખાનું હતું.

મારે વહેવાના સમય પર હું તો છલકાઈ ગયો,
લક્ષ  સાગરમાં  ભળી  ઊંડાણ  જોવાનું  હતું.

હું જ  નીરખતો  હતો એ  વાત હું  ભૂલી  ગયો,
મારા  મનથી  પાપ મારાં  કોણ  જોવાનું  હતું?

એટલે તો મેં નજર પણ ના કરી એ દ્રશ્ય પર,
કે ગગનથી તારલા વિણ કોણ ખરવાનું હતું !

અર્થ એનો એ નથી હું પણ ‘જલન’ તરસ્યા કરું,
ઝાંઝવાંઓને  તો  જીવનભર  તરસવાનું   હતું.

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર
ઓ ‘જલન’,  જાણે કે  મૃત્યુ મારું  પોતાનું  હતું.

જલન માતરી

જલન માતરી (Jalan Maatari)