અનિલ જોશી (Kavi Anil Joshi)

બરફનાં પંખી   

અમે બરફનાં પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં

લૂમાં તરતો ઘોર ઉનાળો

અમે ઉઘડે ડિલે

ઓગળતી કાયાનાં ટીપાં

કમળપાંદડી ઝીલે

ખરતાં પીંછે પડછાતી બપ્પોર મૂકીને નીકળ્યાં !

અમે બરફનાં પંખી રે… ભાઈ, ટહેકે ટહુકે પીગળ્યાં.

લીલાંસૂકાં જંગલ વચ્ચે

કાબરચીતરાં રહીએ

નભમાં ઊડતાં સાંજ પડે તો

સોનલવરણાં થઈએ

રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં !

અમે બરફનાં પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં. 

અનિલ જોશી    




કન્યાવિદાય

સમીસાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે

કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લ ઇને ચાલે
 

પાદર બેસી ફફડી ઊઠતી ઘરચોળાની ભાત

ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત
 

પૈડું સીંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે

શૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે
 

જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે

ખડકી પાસે ઊભો રહીને અજવાળાને   ઝંખે



સમીસાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે

કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લ ઇને ચાલે


કવિ છગન શાકમારકિટમાં - અનિલ જોશી. ( 28-07-1940 )

More poems of Kavi Anil Joshi on Dhaval Shah's website:

કન્યા-વિદાય
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી