અરદેશર ફ. ખબરદાર (Kavi  Ardeshar  Khabardar )

જીવનકાળ: નવેમ્બર 6, 1881- જુલાઈ 3, 1954 

ચાંદની રાત ને કેસરિયા તારા

        

ચાંદની રાત ને કેસરિયા તારલા,

રાસે રમવા આવજો જી રે !

સરખી સમાણી સૌ સહિયર સાહેલીઓ

સાથે તેડી લાવજો જી રે !

           

આણી મેર ગંગા ને પેલી મેર જમના,

વચ્ચે વૃંદાવન ચોક છે જી રે;

ગોકુળ ને મથુરા ને વ્રજ ને વૈકુંઠ,

આવ્યાં ચૌદે લોક છે જી રે.

        

પગલે-પગલે ઝબૂકજો વીજળી,

ફૂલડાં ફૂટજો હાથમાં જી રે;

રાસે રમતાં ને ઘૂમરી ઘૂમતાં

તાળી પૂરજો સાથમાં જી રે !

        

નંદનવનથી મોંઘી છે ગુર્જરી

ગરબા ગરબી રાસથી જી રે;

ગુર્જરી કુંજ છે દેવોને દોહ્યલી

ગુર્જરી રાસના ઉલ્લાસથી જી રે !

         

સારા સંસારના તાપથી તારવા

સૂરના ફૂવારા ઉડાડજો જી રે;

કંઠે કલ્લોલતાં, હૈયાં હીંચોળતાં,

રસની પરબ કંઈ માંડજો જી રે !

         

આભે લખ્યા કંઈ અક્ષર ઉકેલતાં

હાથમાં આવ્યા તારલા જી રે:

રસની રસીલી સૌ સજનીઓ ! આવજો,

કંઠે ઝુલાવજો એ હારલા જી રે !

          

ચાંદની રાત ને કેસરિયા તારલા;

રૂમઝૂમ રૂમઝૂમ ખેલજો જી રે :

ઉરને આંગણ ધમકે ધમકતાં

અદલ આનંદે રેલજો જી રે !

       

અરદેશર ખબરદાર

જીવનકાળ: નવેમ્બર 6, 1881- જુલાઈ 3, 1954 સદાકાળ ગુજરાત

                    

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

                     

ઉત્તર   દક્ષિણ   પૂર્વ   કે   પશ્ચિમ,  જ્યાં  ગુર્જરના  વાસ;

સૂર્ય   તણાં  કિરણો  દોડે   ત્યાં,  સૂર્ય  તણો   જ   પ્રકાશ.

                                

જેની   ઉષા   હસે   હેલાતી,  તેનાં   તેજ  પ્રફુલ્લ પ્રભાત;

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! 

                              

ગુર્જર    વાણી,    ગુર્જર   લહાણી,  ગુર્જર   શાણી   રીત; 

જંગલમાં   પણ  મંગલ   કરતી,   ગુર્જર    ઉદ્યમ   પ્રીત.

                          

જેને ઉર ગુજરાત  હુલાતી, તેને  સુરવન  તુલ્ય  મિરાત;  

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

                             

કૃષ્ણ   દયાનંદ   દાદા   કેરી   પુણ્ય   વિરલ  રસ  ભોમ;

ખંડ   ખંડ    જઈ   ઝૂઝે   ગર્વે    કોણ   જાત   ને   કોમ.

                        

ગુર્જર  ભરતી  ઊછળે  છાતી ત્યાં રહે  ગરજી  ગુર્જર માત;

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! 

                        

અણકીધાં    કરવાના    કોડે,    અધૂરાં     પૂરાં    થાય;

સ્નેહ,  શૌર્ય   ને  સત્ય  તણા  ઉર, વૈભવ  રાસ  રચાય.

                           

જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત!

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

                            

અરદેશર ફ. ખબરદાર