મનોજ ખંડેરિયા (Kavi Manoj Khanderiya)

January 8, 2007 at 9:37 pm · Filed under kavilok / કવિલોક, ગુજરાતી કવિતા (Gujarati Kavita), ગુજરાતી ગઝલ (Gujarati Gazal Shaayar
મનોજ ખંડેરિયા
ભીંત મૂંગી રહી
આંગણું બડબડ્યું, ડેલી બોલી પડી, ભીંત મૂંગી રહી
ઘર વિષે અવનવી વાત સહુએ કરી, ભીંત મૂંગી રહી
આભમાં ઊડતી બારીઓ પથ્થરે કાં જડાઈ ગઈ?
વાત એ પૂછનારેય પૂછી ઘણી, ભીંત મૂંગી રહી
‘આવજો કે’વું શું પથ્થરોને?’ ગણી કોઈએ ના કહ્યું
આંખ માંડી જનારાને જોતી રહી, ભીંત મૂંગી રહી
ઘર તજી કોઈ ચાલ્યું ગયું એ પછી બારીએ બેસીને
માથું ઢાળી હવા રાત આખી રડી, ભીંત મૂંગી રહી
કાળના ભેજમાં ઓગળી ઓગળી એ ખવાતી રહી
કોઈએ એ વિષે કો’દિ’ પૂછ્યું નહીં, ભીંત મૂંગી રહી
આયનાની જેમ
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઈને
ભાનનો તડાક દઈ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છૂંદણાનામોર સાથે માંડ હું વાત
મને એટલું તો એકલું લાગે
આજ તો અભાવ જેના અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇને
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાકોઈ જરા જોઈને
એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે
છાતીમાં ધરબાતા ખીલા
પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમહું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈજરા જોઇને
પકડો કલમ ને કોઈ પળે, એમ પણ બને
આ હાથ આખે આખો બળે, એમ પણ બને
જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં
મન પહોંચતા જ પાછુ વળે, એમ પણ બને
એવું છે થોડું છેતરે રસ્ત કે ભોમિયા
એક પગ બીજા પગ ને છળે, એમ પણ બને
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે, એમ ૫ણ બને
તું ઢાળ ઢોલિયો, હું ગઝલ નો દીવો કરું,
અંધારું ઘર ને ઘેરી વળે, એમ પણ બને.
- મનોજ ખંડેરિયા (Manoj Khanderia)
ભાઇ શ્રી. ભાવિન ગોહીલ (Thanks to Bhavin Gohil) નો આ ગઝલ ટાઇપ કરીને મોકલવા બદલ આભાર.
ગઝલ
દિવસરાત બમણો ઊગે નિત નિસાસો
બીડ્યાં દ્વાર ખોલે એ ક્યાં છે ખુલાસો
છબી જેમ ભીંતેથી સરકીને ફૂટ્યો
સદીઓથી ટાંગેલ ઘરનો દિલાસો
“મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું”
મને કોઈ મનમાંથી આપે છે જાસો
નથી જીતનો સૂર્ય ઊગવાની આશા
અહીંનો સમય છે શકુનિનો પાસો
અવાજોનાં જંગલ ને એકલતા કાળી
અહીં કઈ રીતે થઈ શકે રાતવાસો
મનોજ નામની એક નદીના કિનારે
તજે કોઈ પીપળા નીચે બેસી શ્વાસો
મનોજ ખંડેરિયા
ગઝલ
છલકતું તળાવ એમ છલકાય ટહુકો
પળેપળને ભીની કરી જાય ટહુકો
મહકતો રહે ફૂલ-ગજરાની માફક
હવામાં શી તાજપ ભરી જાય ટહુકો
તૂટી પડશે તરડાઈને નીલિમા કંઈ
જરા પણ જો નભ સાથ અફળાય ટહુકો
તમે મૌન દોરા સમું જો કરીને
પરોવી શકો તો પરોવાય ટહુકો
ફૂટી નીકળે પાંખનું પીછું થઈને
વિહગના ગળામાં જે રહી જાય ટહુકો
બરડ શુષ્ક શબ્દોના અવકાશમાં નિત
લીલોછમ મૃદુ તારો સંભળાય ટહુકો
કોઈ મોરપીછાંને મૂંગું કરી દો
હવે મુજથી એકે ન સચવાય ટહુકો
મનોજ ખંડેરિયા
મનોજભાઇના બીજા કાવ્યો-
વિકલ્પ નથી
છું હું
એમ પણ બને
વરસોનાં વરસ લાગે