વિજય ચલાદરી (Poet Vijay Chaladari)


¤ Facebook વાળી નાયિકાનું ગીત ¤

મેં તો ખોલાવ્યું Facebook માં ખાતુ,
Request રોજની એટલી આવે મારું દિલ ખુશીમાં સમાતું.

‘Good Night..!’ Wall પર Post કરું ત્યાં તો
નીચે Like થઈ જાતું,
ભૂલતાં જો મારાથી Photo મુકાઈ જાય
તો Comment વાંચીને મન ગાતું.

હું તો વાંચ્યા કરું ને Request મોકલ્યા કરું, મારું યૌવન ના ક્યાંય જોખમાતું,
મેં તો ખોલાવ્યું Facebook માં ખાતુ.

છોકરાની જાત એને સુજવાનું હોય શું ?
મારા પર ‘I Love You’ મોકલ્યું,
હું તો ગભરાઈ ગઈ પાછી છોકરીની જાત
મેં પેલ્લીવાર ‘Same to you’ મોકલ્યું.

એણે તો Video Songs ના ઢગલા કર્યા, મને એમાં ના કંઈ સમજાતું,
મેં તો ખોલાવ્યું Facebook માં ખાતુ.

સવારના પ્હોરમાં Facebook ખોલી ત્યાં તો
આંખો અંજાઈ ગઈ મારી,
Photo કેવો સાવ વસ્ત્રો વિનાનો
રોમે રોમ વ્યાપી કંપારી.

હું તો આંખો મીંચીને કરું સુવાનો ડોળ, જોયેલું દ્રશ્ય ન ભુલાતું,
મેં તો ખોલાવ્યું Facebook માં ખાતુ.
- વિજય ચલાદરી

કવિતા: ઇલાજ

આજ રોજ
શિક્ષકના
પેટમાં
સખત
દુ:ખાવો
ઉપડ્યો
દાક્તરે
તપાસીને કહ્યું.
“પેટમાં
ટ્યુશનની ગાંઠ છે.”
- વિજય ચલાદરી


કવિતા: ક્રોસ

વર્ષો વીતી ગયાં
પણ
એક વાતનું
મને
દુ:ખ થાય છે
ભગવાન ઇશુને
ક્રોસ પરથી
નીચે
કોણ ઉતારશે !?
- વિજય ચલાદરી
ગીત: માતૃભાષા ગુજરાતી

માતૃભાષા ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી.

રાસ, ફાગુ ને ગરબીમાં યૌવન હોંશે ખીલ્યું,
પદ, આખ્યાન ને છપ્પામાં જ્ઞાન અમેં તો ઝીલ્યું.
બહુ રમ્યા, બહુ ગમ્યા, આ તો ભાષા ગુજરાતી,
માતૃભાષા ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી.

ગીત, ગઝલ ને સૉનેટમાં પ્રેમની વાતો કીધી,
નવલિકા ને નવલકથામાં લક્ષ્યમાં આંગળી ચીંધી.
બહુ ખીલ્યા, બહુ ઝીલ્યા, આ તો ભાષા ગુજરાતી,
માતૃભાષા ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી.

ખંડકાવ્ય કેરા શબ્દોમાં પ્રેમ અમીરસ પીધો,
નાનકડા હાઈકુમાં કેવો જીવનમર્મ વણી લીધો !
બહુ બોલ્યા, બહુ તોલ્યા, આ તો ભાષા ગુજરાતી,
માતૃભાષા ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી.

નિબંધ કેરા શબ્દોમાં થયાં નિત નવાં નવાં દર્શન,
લઘુકથા કેરા ભાવોમાં અડગ રહ્યું ‘તું મન.
બહુ જોયું, બહુ જાણ્યું, આ તો ભાષા ગુજરાતી,
માતૃભાષા ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી.

અવનવા લોકો આવ્યા જોડણી બગાડવાને,
મોટી મોટી ડીગ્રીઓ સાથે ઢોલકી વગાડવાને.
ન જામ્યા, ન પામ્યા, આ તો ભાષા ગુજરાતી,
માતૃભાષા ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી.

- વિજય ચલાદરી

પરણ્યાની પહેલી રાત

પરણ્યાની હતી રાત પહેલી, કરવી હતી વાત, સાહેલી !
વરસી પડી પ્રેમની હેલી !

પાંપણ વચ્ચે પલંગ આખો સજી બેઠો શણગાર,
કુંવારાં મારાં શમણાં આજે પરણ્યાં પહેલીવાર.
સુગંધ ફેલાવતી એક ચમેલી
પરણ્યાની હતી રાત પહેલી, કરવી હતી વાત, સાહેલી !
વરસી પડી પ્રેમની હેલી !

હાથને મારા ચૂમતાં એણે ચૂમ્યું આખૂ અંગ,
છેલ છોગાળો સૂતો બેઠેલો જબકી જાગ્યો અનંગ.
બંધ કરી પછી ખૂલી ડેલી
પરણ્યાની હતી રાત પહેલી, કરવી હતી વાત, સાહેલી !
વરસી પડી પ્રેમની હેલી !

કવિ પરિચય

નામ: વિજય ચલાદરી

જન્મ તારીખ : 26 માર્ચ 1982


અભ્યાસ: એમ.એ. (ગુજરાતી), એમ.ઍડ્. (શિક્ષણ)

પ્રાથમિક શિક્ષણ:
૧.ચલાદર પ્રાથમિક શાળા, ચલાદર (ધો. ૧ થી ૪)
૨. ચાત્રા પ્રાથમિક શાળા, ચાત્રા (ધો. ૫ થી ૭)

માધ્યમિક અને ઉચ્યતર માધ્યમિક શિક્ષણ:
શ્રી વી. કે. વાઘેલા હાઈસ્કુલ, દિયોદર, જિ. બનાસકાંઠા (ધો. ૮ થી ૧૨)

કૉલેજ શિક્ષણ:
૧. શ્રી ત્રિકમભાઈ ચતવાણી આર્ટ્સ ઍન્ડ જે. વી. ગોકળ કોમર્સ કૉલેજ, રાધનપુર, જિ. પાટણ (બી.એ.)
૨. શ્રી મહાદેવભાઈ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. (એમ.એ.)
૩. શિક્ષણ મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. (બી.ઍડ્. અને એમ. ઍડ્.)

વ્યવસાય: અધ્યાપક, શ્રી બી. જે. ગઢવી બી. ઍડ્. કૉલેજ, રાધનપુર જિ. પાટણ – ૩૮૫ ૩૪૦

સંપાદક: ‘છડીદાર’ સાપ્તાહિકમાં “કવિ અને કવિતા” કૉલમનું સંપાદન

કાવ્યસર્જન: ગીત, ગઝલ, સૉનેટ, મુક્તક, હાઇકુ અને અછાંદસ.

પ્રકાશન:
૧. વર્તમાનપત્ર: રખેવાળ, જયહિંદ, જનસત્તા લોકસત્તા, સંદેશ, ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર.

૨. સામયિક: શબ્દસર, ધબક, ગઝલ વિશ્વ, કવિ, શહિદે ગઝલ, સુવાસ અને નિર્ધાર.

બ્લોગ: http://www.chaladari.blogspot.com

ઈ-મેઇલ: vijaychaladari@gmail.com mailto:vijaychaladari@gmail.com

ફેસબુક: Vijay chaladari

સરનામું:
ગામ: ચલાદર પોસ્ટ: ચાત્રા તા. ભાભર જિ. બનાસકાંઠા- ૩૮૫ ૩૨૦

સંપર્ક નંબર: મો. +૯૧૯૦૧૬૬૮૬૮૪૪ અને +૯૧૯૯૧૩૩૬૩૦૮૬

એક છો’રીએ ઝાડની આડાશ લીધી – વિજય ચલાદરી

એક છો’રીએ ઝાડની આડાશ લીધી

એક છો’રીએ ઝાડની આડાશ લીધી
ડાળે ડાળે પાંદડે પાંદડે પંખીના કલરવની વાતો કીધી.

પ્હાડના ઢોળાવથી ઢળતી કમખા કેરી કસ,
આભ વચાળે ચૂંદડી ઊડે વાયરો થાતો વસ.

આંખનું આંજણ આંખમાં આંજી આંખ ભરીને પીધી,
એક છો’રીએ ઝાડની આડાશ લીધી.

વળાંક લેતી, વાડીઓ જોતી મતવારી જાય ચાલી,
ધૂળ ઊડતી ઝાંખી પાંખી કેડીઓ થાતી ખાલી.

સંધ્યા ટાણે પાદરે બેસી વાડને તાળી દીધી
એક છો’રીએ ઝાડની આડાશ લીધી

વિજય ચલાદરી

ગઝલ – વિજય ચલાદરી

ગઝલ

હાથમાં કાગળ ધરીને પૂછ ના,
પ્રેમમાં આગળ વધીને પૂછ ના.

આજ જેવી કાલ કોને ના ગમે ?
રાત દિન અટકળ કરીને પૂછ ના.

વાત તારી કાન ખોલી સાંભળું,
પ્રશ્ન કોરાકટ દળીને પૂછ ના.

કૉલ આપીને ય એ ચાલ્યાં ગયાં,
કેમ છો ? એવું હસીને પૂછ ના.

સાત ભવની વારતા જૂઠ્ઠી ઠરી,
આંખમાં આંસું ભરીને પૂછ ના.

વિજય ચલાદરી