ડૉ.વિવેક મનહર ટેલર (Kavi Vivek M Tailor)

સંપર્ક: dr_vivektailor@yahoo.com
Dr.Vivek Tailor Portrait
વિવેક ટેલર- જન્મ સુરતમાં, અભ્યાસ અને હવે કાર્યક્ષેત્ર પણ સુરત જ. વ્યવસાયે તબીબ. પાંચમા ધોરણથી શબ્દોને શ્વાસમાં કંડારવાની શરૂઆત કરી એ પછી આજ દિન લગી શબ્દો સાથેનો પ્રેમ સતત વહ્યા કરે છે જેમાં ભીંજવવા માટે એમની વેબસાઇટની જરુર મુલાકાત લેશો--> શબ્દો છે શ્વાસ મારાં ( મારૂં કાવ્યજગત - ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોનો બ્લોગ)

મુંબઈની ટ્રેનમાં થયેલા બૉમ્બ વિસ્ફોટ પર એક ગીત

જીવતો જાગતો માણસ ફૂટ્યો,
વિશ્વાસ ખૂટ્યો કે શ્વાસ જ છૂટ્યો.

ફૂટ્યાં એ સૌ બોમ્બ હતાં, બસ ?
જે મર્યાં એ સૌ શું માત્ર માણસ ?
આંખોમાં જે ધ્વસ્ત થયાં તે
ખાલી ડબ્બાઓ, આઠ-નવ-દસ?
માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

કેટલાં સપનાં, ઈચ્છાઓ કંઈ
સાંજનો સૂરજ આવતો’તો લઈ;
નાના કલરવ, છાનાં પગરવ,
રાહ જુએ સૌ દરવાજા થઈ
એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો !
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

પૂરી થશે શું માંગ તમારી,
નિર્દોષોને જાનથી મારી ?
મોત છે શું ઈલાજ જીવનનો?
આ નાદાની છે કે બિમારી ?
મુરાદ બર ના આવે તો પણ સદીઓથી ચાલે આ કૃત્યો.
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

આતંકવાદીને ફાંસી આપો,
પણ પહેલાં અંદર તો ઝાંકો;
છે શરીર તો એક જ સૌના,
શાને અલગ-અલગ પડછાયો?
એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

ડૉ.વિવેક મનહર ટેલર

ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ?


ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ?
નકર કારણ વગર બનતું નથી આજે કવિ કોઈ.

તમે હસતા રહી સૌ વાતને હળવી બનાવો છો,
અને સમજે છે સૌ કે કાળજી તમને નથી કોઈ.

જમાનો સૌ ભલા માણસની સાથે આ જ કરવાનો,
તમે પગલું ઉપાડો ત્યાં જ કરશે, ‘આ...ક્..છી’ કોઈ.

તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.

હવાના ઘર થયાં છે કેદ સૌ પાણીના પરપોટે,
સપાટી પર લઈને જાય ઘનતાની કમી કોઈ.

ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
કે ક્ષ્રર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ.

ડૉ.વિવેક મનહર ટેલર

વિવેક્ભાઇની વેબસાઇટની જરુર મુલાકાત લેશો--> શબ્દો છે શ્વાસ મારાં