તો શું? - પ્રફુલ્લ દવે(Praful Dave)

શબ્દમાં અક્ષર આઘોપાછો થાય તો શું?
તટે સમંદર આઘોપાછો થાય તો શું?

સાત સૂરોનો ખેલ, ખેલમાં કોઇ સૂર જો,
લયની અંદર આઘોપાછો થાય તો શું?

આવડું મોટું ‘ઘર’, ‘ને ઘરનો કોઇ ખૂણો,
ઘરની અંદર આઘોપાછો થાય તો શું?

ટુકડા જોડી બનતો નકશો, કોઇ ટુકડો
નકશા અદર આઘોપાછો થાય તો શું?

આપણે, આપણા અંદર ગોરખ બની જઇએ,
પછી મછંદર આઘોપાછો થાય તો શું?

પ્રફુલ્લ દવે

કવિ પરિચય

          વ્યવસાયે ન્યાયાધીશ એવા આ કવિએ જીવનની એવી એવી પરિસ્થિતિઓ જોયેલી છે કે, એક પક્ષ તો ખોટો હોય જ, અને મોટે ભાગે તો બન્ને ખોટા હોય ! આથી ક્યાંક કશુંક બરાબર ન હોય, તો તેને ખમી ખાવાની દૃષ્ટિ ધારણ કરવાનું તેઓ અહીં સૂચવે છે. માણસ પોતાની આજુબાજુ જોવા મળતી અસંગતતાઓ તરફ આવો દૃષ્ટિકોણ કેળવે તો કેટલા ટંટા અને ફીસાદ ઓછા થઇ જાય? આપણી અંદર જ પોતાના ગુરુ ગોરખનાથ થવાની વાત પણ બહુ સૂચક છે.

Comments (1)

કોયડો - પ્રફુલ્લ દવે

કોણ નાવિક? કોણ કિનારો? અને મઝધાર શું?
કોણ નૌકા? ડૂબવાનું શું? અને આધાર શું?

શબ્દ ક્યાં? કોની ક’ને? કેવો હશે?
‘ને શબ્દથી કોઇ જીત શું કે હાર શું?

ચિત્ર કોનું? કોણ ચિતારો? અને કેવું ફલક?
શું છે કારણ દોરવાને? સાર શું?

રંગ કેવો? કેટલો? શાનો ચડ્યો?
કોણ રંગાયું? અને રંગનાર શું?

પ્રેમ કેવો? કેટલો? કોનો? અને શું?
‘ને હૃદયના ભાવનો આકાર શું?

છે યુગોથી આંખમાં પ્રશ્નો અનુત્તર,
સૃષ્ટિ કેવી આ? અને રચનાર શું?

 - પ્રફુલ્લ દવે

આ પ્રશ્નો પૂછનાર, ચૂકાદા આપનાર ન્યાયાધીશ છે.
આપણે તેમને પૂછીએ કે જો તમને આનો જવાબ જડ્યો હોય તો અમને જણાવશો? !!

તેમનો પરિચય કાલે જાણો.