પ્રીતમ (Pritam)

જન્મ  1718
અવસાન  1798
પ્રીતમ « ગુજરાતી સારસ્વત પરિચય

જીભલડી રે ! - પ્રીતમ

Filed under: ભજન/ કીર્તન/ પદ — સુરેશ જાની @ 2:59 pm

જીભલડી રે ! તને હરિગુણ ગાતાં આવડું આળસ ક્યાંથી રે !
લવરી કરતાં નવરી ન મળે, બોલી ઊઠે સૌમાંથી રે !

પરનિંદા કરવાને પૂરી, શૂરી ખટરસ ખાવા રે;
ઝઘડો કરવા જાહેર ઝૂઝે, કાયર હરિગુણ ગાવા રે.

ઘર લાગ્યા પછી કૂપ ખોદાવે,  આગ એથી ક્યાં ઓલવાશે રે? 
ચોરો તો ધન હરી ગયા, પછી દીપકથી શું થાશે રે?

તલ મંગાવો ને તુલસી મંગાવો, રામનામ લેવરાવો રે;
પરથમ તો મસ્તક નહીં નમતું, પછી નામ શું સંભળાવો રે ?

રામનામનું દામ ન બેસે, કામ ખડે નહીં કરવું રે;
સહેજે પાર પંથનો આવે, ભજન થકી ભવ તરવું રે.

જેનું નામ જપે જોગેશ્વર, શંકર શેષ વિરંચિ રે;
કહે ‘પ્રીતમ’ પ્રભુ-નામ વિસાર્યું,  તે પ્રાણી પરપંચી રે.

પ્રીતમ

#  “ હરિનો મારગ છે શૂરાનો. ”