‘રુસ્વા મઝલૂમી / પાજોદ દરબાર’("Rusva" Mazlumi Mazloomi)

રૂસ્વા - જેને માણસ કહી શકાય તેવો માણસ. પોતે ઉચ્ચ કક્ષાના શાયર હોવા ઉપરાંત નવાબી કાળમાં તેમણે પોતાની છત્રછાયા નીચે ગુજરાતી ગઝલના બે ગુલાબનું સંવર્ધન કર્યું - ‘શૂન્ય’ પાલનપુરી અને અમૃત ‘ઘાયલ’ .
જન્મ તારીખ 11 ડીસેમ્બર

11 - ડીસેમ્બર : ‘રૂસવા’ મઝલૂમીનો જન્મદિન

આજે પાજોદ દરબાર શ્રી.  ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી - ‘રૂસવા’ મઝલૂમી-  નો 91 મો જન્મદિન છે. 
તેમના જીવન વિશે જાણવા અહીં ‘ક્લીક’ કરો.
તેમની યાદમાં આપણે તેમની ત્રણ રચનાઓનો આસ્વાદ માણીએ.

——————————————————

થઇ જાય નિછાવર સ્મિત સઘળાં એવાં હું ક્રંદન લાવ્યો છું,
ફૂલોની ધડકન લાવ્યો છું, ઝાકળનાં સ્પંદન લાવ્યો છું.
નરસિંહની ઝાંખીમાંથી હું મોહનની મઢૂલીમાં ધરવા,
ચેતનના ચંદન લાવ્યો છું, આતમના વંદન લાવ્યો છું.

જેને ‘માણસ’ કહી શકાય તેવા આ નવાબી શાયરની ધર્મનિરપેક્ષતાનું આનાથી વધારે સારું ઉદાહરણ શું હોઇ શકે? આમાં એક પણ ફારસી કે ઉર્દૂ શબ્દ શોધી શકશો? નરસિંહ અને મોહનને વંદન કરતા આ કવિને વંદન કરવાનું આપણને મન થઇ જાય છે.

—————————————————- 

વિચારો વિણ કલમ કરમાં નથી ધરતો કવન માટે,
ગગન પેદા કરી લઉં છું પ્રથમ ઉડ્ડયન માટે.

અભાગી લાશ રખડે જેમ જંગલમાં કફન માટે,
વતનમાં એમ ભટકું છું શરણ માટે, જતન માટે.

નથી આવ્યા અમે કેવળ અહીંયાં પર્યટન માટે,
વસાવ્યું છે વતનને તો મરીશું પણ વતન માટે.

તમે સોગંદનામું શું જુઓ છો, કાર્ય ફરમાવો !
બંધાયો છું ગમે તે કાર્ય કરવા હું વતન માટે.

નિરાશ્રિતથી વધુ આશ્રિત તણી સ્થિતિ કફોડી છે,
અવર માટે બધું છે ને નથી કંઇ આપ્તજન માટે.

તમે ના બોલવાનું આજ પણ બોલી ગયા ‘રૂસ્વા’
કદી તો પૂર્વ તૈયારી કરો કૈં પ્રવચન માટે.

ભારતને સ્વતંત્રતા મળી તે સમયમાં જ્યારે સૌરાષ્ટ્રના બધા મુસ્લીમ રાજવીઓ પાકિસ્તાનમાં ભળવા તલપાપડ હતા ત્યારે આ ભડવીરે વતન-પરસ્તી નિભાવી , સમસ્ત નવાબી જમાતનો રોષ વહોરી, ભારતીય સંઘમાં જોડાવા દસ્તખત કર્યા હતા. 
તે વખતની તેમની દ્રઢ મનોદશા આ ગઝલમાં ચિત્રિત થાય છે.

——————————————————

રૂપનો આવો અધિકાર મને માન્ય નથી,
હરઘડી પ્રેમ હો લાચાર, મને માન્ય નથી.

સંકુચિત દરિયાદિલી આવી? અને દરિયાની?
એક ડૂબે ને બીજો પાર, મને માન્ય નથી.

માન અપમાન તણું ભાન નિરંતન શાને?
પ્રેમમાં આવો અહંકાર, મને માન્ય નથી.

કોઇ આકાર બની જાય તો ખોટું શું છે?
તું રહે નિત્ય નિરાકાર, મને માન્ય નથી.

શક્ય છે રૂપ તણી હોય કશી મર્યાદા,
સંકુચિત પ્રેમનો હો વિસ્તાર, મને માન્ય નથી.

દીપમાળામાં સજાવીશ નયનમાં ‘રૂસ્વા’ !
વિરહમાં ચન્દ્રનો ચમકાર, મને માન્ય નથી.

નિરાકારની બંદગી જે ધર્મનો મૂળ વિચાર છે તે ધર્મના બાશીંદા એવા આ શાયરના પ્રેમનો વિસ્તાર કેટલો વ્યાપક છે?


કરી બેઠા - ‘ રૂસ્વા ‘ મઝલુમી

કદમમાં કોઇના એક જ ઇશારે દિલ ધરી બેઠા,
બહુ સસ્તામાં જીવનનો અમે સોદો કરી બેઠા.

તમે કે ઝુલ્ફ કેરી જાળ રસ્તે પાથરી બેઠા,
અમે કેવા કે જાણી જોઇને બંધનને વરી બેઠા.

પડી’તી પ્રેમમાં કોને વિજય અથવા પરાજયની !
અમારે પ્રેમ કરવો’તો, તમારાથી કરી બેઠા.

કરીએ કાકલૂદી એટલી ફૂરસદ હતી ક્યારે,
તકાદો દર્દનો એવો હતો કે કરગરી બેઠા.

હતી તોરી કંઇ એવી તબિયત કે જીવનપંથે,
ગમે ત્યારે જીવી બેઠા, ગમે ત્યારે મરી બેઠા.

અમે કે નાવને મઝધારમાં વ્હેતી મૂકી દીધી,
તમે કાંઠો નિહાળી નાવને ત્યાં લાંગરી બેઠા.

કદી બદનામ ગભરૂ આંખ ના થઇ જાય એ બીકે,
ઝખમને ફૂલ સમજીને જિગરમાં સંઘરી બેઠા.

અમારું ધ્યેય છે, બરબાદને આબાદ કરવાનું,
અમે એ કારણે ખંડેરમાં આંખો ભરી બેઠા.

અમારા ને તમારા પ્રેમમાં ખૂબ જ તફાવત છે,
અમે ‘રૂસ્વા’ બની બેઠા, તમે ‘રૂસ્વા’ કરી બેઠા.

- ‘ રૂસ્વા ‘ મઝલુમી

 પાજોદ દરબાર - ઇમામુદ્દીન બાબી


મશહૂર છું - ‘રૂસ્વા’ મઝલુમી

રંગ છું હું, રોશની છું, નૂર છું;
માનવીના રૂપમાં મનસૂર છું.

પાપ પૂણ્યોની સીમાથી દૂર છું,
માફ કર, ફિતરતથી હું મજબૂર છું.

ઘેન આંખોમાં છે ઘેરી આંખનું,
કોણ કે’છે હું નશમાં ચૂર છું?

કૈં નથી તો યે જુઓ શું શું નથી,
હું સ્વયં કુમકુમ છું, સિન્દૂર છું.

ભીંત છે વચ્ચે ફકત અવકાશની,
કેમ માનું તુજ થકી હું દૂર છું?

બંધ મુઠ્ઠી જેવું છે મારું જીવન,
આમ છું ખાલી છતાં ભરપૂર છું.

હું ઇમામુદ્દીન ફક્ત ‘રૂસ્વા’ નથી,
ખૂબ છું બદનામ, પણ મશહૂર છું.

- ‘રૂસ્વા’ મઝલુમી ઇમામુદ્દીનખાન બાબી - કોણ માનશે ?

મ્હોતાજ ના કશાનો હતો કોણ માનશે ?
મારોય એક જમાનો હતો કોણ માનશે ?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દીવાનો હતો કોણ માનશે ?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો કોણ માનશે ?

માની ર્હ્યુ છે જેને જમાનો જીવનમરણ
ઝઘડો એ ‘હા’ ને ‘ના’નો હતો કોણ માનશે ?

મસ્તીમાં આવી ફેરવી લીધી જગતની આંખ,
એ પણ સમય નશાનો હતો કોણ માનશે ?

હસવાનો આજ મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો કોણ માનશે ?

રુસ્વા કે જે શરાબી મનાતો રહ્યો જગે,
માણસ બહુ મઝાનો હતો કોણ માનશે ?

       - ‘રુસ્વા મઝલૂમી / પાજોદ દરબાર’ ઇમામુદ્દીનખાન બાબી (’Rusva