સુરેન ઠાકર ‘મેહુલ’ (Suren Thakar)

ગઝલ

હું  સુધીની  દડમજલ  ને તું  લગીનું  લક્ષ છે
જે અઢી અક્ષર ભણ્યો છે એ જ શાપિત યક્ષ છે.

છે  કલેવર  કામઠું  ને પ્રાણ  એમાં  તીર સમ
તારી યાદો ઢાલ થઈ પથરાઈ છે એ વક્ષ છે.

સરહદો ઓળંગવા સર પર કફન બાંધ્યું અમે
સૂર્ય અશ્વો જ્યાં વિરાજ્યા છે અમારાં પક્ષ છે.

આ  ચિદાકાશે  અમારું   ઉડ્ડયન   જોજે   હવે
દૂર અણતગ તાગવા તત્પર થયેલાં ચક્ષ છે.

હું ચરમ કક્ષાએ પહોંચેલો પ્રણયનો સૂર છું
તું ચરમ કક્ષા છે, તું છે લાગણી તું દક્ષ છે.

ટોડલે સ્થાપી શકું બહુ બહુ તો મારી વેદના
તું  સ્વયં  આકાર  છે ને  તું જ  તારો કક્ષ છે.

હું મને જ્યાં ત્યાં નડું  ને  હું જ પાછો આથડું
મારા જીવનને નડ્યો એ ‘હું’ જ મારો ભક્ષ છે.

સુરેન ઠાકર ‘મેહુલ’

ગઝલ- સુરેન ઠાકર ‘મેહુલ’ (Suren Thakar)

ગઝલ

મોસમની   મરજાદ   વછૂટી
લૂંટી, મબલખ મબલખ લૂંટી

રેશમ   રેશમ   રૂપનું   રેશમ
ચાલ, ધીરેથી ખણીએ ચૂંટી.

શ્વાસ ઠર્યો ત્યાં ટગડાળે ને
ઈચ્છાઓને    કૂંપળ    ફૂટી.

આમ જુઓ તો શ્વાસ નિરંતર
આમ જુઓ તો ધીરજ ખૂટી.

બોરસલીની રણઝણ જેવી
અણુ અણુમાં  કંપન  છૂટી.

શ્વાસ મૂક્યાનું એક બહાનું
સંબંધોની    સીમા    તૂટી.

સુરેન ઠાકર ‘મેહુલ’