ગુજરાતી ભજનો અને કિર્તનો

ભજન કીર્તન પ્રાર્થના

પ્રાર્થના New Item

પર્વની પ્રસાદી

હરિ વસે છે હરિના જનમાં મીરાંબાઈ
            હરિ વસે છે હરિના જઠ … more »

કહત કબીર
અધ્યાત્મ માર્ગના મુસાફરને એના ભોમિયા એવા ગુરુની અનિવાર્યતા વિશે સંત કબીર ક … more »

જીવન અંજલિ થાજો !

દિલને દરબાર

કૃષ્ણ-રાધા

હરિને ભજતાં

અખિલ બ્રહ્માંડમાં

હાં રે વેણ વાગી - પ્રેમાનંદ સ્વામી

હાં રે વેણ વાગી રે વેણ વાગી,
હાં રે હું તો ઓચિંતાની ઝબકીને જાગી રે. – વેણ…

હાં રે મધ્યરાતે વગાડી અલબેલે,
હાં રે નંદલાલે રંગીલે રંદ છેલે રે.– વેણ…

હાં રે વહાલે મંત્ર ભણીને વજાડી,
હાં રે ભરી નિદ્રામાં સૂતી જગાડી રે. - વેણ…

હાં રે વાંસળીએ મારી પાંસળી વીંધી,
હાં રે બા’રે નિસરી કાળજડું ચીદી રે. - વેણ…

હાં રે મારા પ્રાણ હર્યા પાતળિયે,
હાં રે હવે ક્યારે મોહનજીને મળિયે રે. - વેણ…

હાં રે પ્રેમાનંદ કહે ઊઠી ઘેલી સરખી,
હાં રે ખૂંતી ચિત્તમાં મૂરતિ ગિરધરકી રે. - વેણ…

- પ્રેમાનંદ સ્વામી (  -   જીવનઝાંખી   )

Comments

હંસલા! સરવરનીલ સલામ - દામોદર ભટ્ટ ‘સુધાંશુ’

ઊપડ્યા લઇ પયગામ,
હંસલા! સરવરનીલ સલામ;
ગગનવિશાળા ગામ
હંસલા! સરવરનીલ સલામ

અમે રહ્યાં સરવર ને સામા,
સાગર ર્ યા બેફામ;
તમે અતિથિ અનહદ જાતા
કુરનિસ-ભર સલામ. - હંસલા! …

પવન સ્હેજો ને ઘનને કહેજો
વીજશિખર પર ધામ;
તમે તમારા ઘોડલે
બનજો બિન લગામ. - હંસલા! …

ઊપડ્યા લઇ પયગામ,
ગગનવિશાળા ગામ - હંસલા! …

- દામોદર ભટ્ટ ‘સુધાંશુ’

જન્મ – 25 ડીસેમ્બર – 1913 ; પોરબંદર
અવસાન – 29 માર્ચ – 1983
કાવ્ય સંગ્રહો -  રામસાગર, અલખ તારો, સોહમ્

Comments (1)

ત્યાગ ન ટકે રે વૈરાગ વિના - નિષ્કુળાનંદ

ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાય જી;
અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાય જી? — ત્યાગ..

વેશ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂર જી;
ઉપર વેશ આછો બન્યો, માંહી મોહ ભરપૂર જી. ? — ત્યાગ..

કામ, ક્રોધ, લોભ, મોહનું જ્યાં લગી મૂળ ન જાય જી;
સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાય જી. ? — ત્યાગ..

ઉષ્ણ રતે અવની વિષે, બીજ નવ દીસે બહાર જી;
ઘન વરસે, વન પાંગરે, ઇંદ્રિ વિષય આકાર જી. — ત્યાગ..

ચમક દેખીને લોહ ચળે, ઇંદ્રિ વિષય સંજોગ જી;
અણભેટ્યે રે અભાવ છે, ભેટ્યે ભોગવશે ભોગ જી. — ત્યાગ..

ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથ જી;
વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનરથ જી— ત્યાગ..

ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધ જી,
ગયું ધૃત –મહી - માખણ થકી, આપે થયું રે અશુધ્ધ જી. — ત્યાગ..

પળમાં જોગી રે ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગી જી;
નિષ્કુળાનંદ એ નરનો, વનસમજ્યો વૈરાગ જી. — ત્યાગ..

-  નિષ્કુળાનંદ  ( જીવનઝાંખી)


ગંગાસતી

         

મેરુ રે ડગે 

        

મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે

મરને ભાંગી રે પડે ભરમાંડ રે;

વિપદ પડે પણ વણસે નહિ,

ઈ તો હરિજનનાં પરમાણ રે.. મેરુ રે..

         

ભાઈ રે! હરખ ને શોકની ના’વે જેને હેડકી ને

શીશ તો કર્યા કુરબાન રે.

સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,

જેણે મેલ્યાં અંતરનાં માન રે.. મેરુ રે..

          

ભાઈ રે! નિત્ય રે’વું સતસંગમાં ને

જેને આઠે પો’ર આનંદ રે.

સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં,

જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે.. મેરુ રે..

          

ભાઈ રે! ભગતી કરો તો એવી રીતે કરજો પાનબાઈ

રાખજો વચનુંમાં વિશવાસ રે,

ગંગા રે સતી એમ બોલિયાં રે,

તમે થાજો સતગુરુજીનાં દાસ રે.. મેરુ રે..

        

ગંગાસતી

અઢારમી સદીના ઉત્તરાર્ધમાં રચાયેલાં એમનાં ભક્તિપદો મહ્દંશે પાનબાઈને સંબોધીને છે.   


બ્રહ્માનંદ સ્વામી

       

રે શિર સાટે નટવરને વરીએ

       

રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ;

    

રે અંતર દ્રષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડહોળ્યું;

એ હરિ સારુ માથું ઘોળ્યું.

      

રે સમજ્યા વિના નવ નીસરીએ, રે રણમધ્યે જઈને નવ ડરીએ;

ત્યાં મુખપાણી રાખી મરીએ ..રે શિર..

         

રે પ્રથમ ચડે શૂરો થઈને, રે ભાગે પાછો રણમાં જઈને;

તે શું જીવે ભૂંડું મુખ લઈને.. રે શિર..

           

રે પહેલું જ મનમાં ત્રેવડીએ, રે હોડે હોડે જુધ્ધે નવ ચડીએ;

જો ચડીએ તો કટકા થઈ પડીએ.. રે શિર..

             

રે રંગ સહિત હરિને રટીએ, રે હાક વાગે પાછા નવ હટીએ;

બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ.. રે શિર..

          

બ્રહ્માનંદ સ્વામી     

આજની ઘડી રે રળિયામણી - રાજે

Filed by સુરેશ જાની @ 4:35 pm

આજની ઘડી રે રળિયામણી.
હાં રે મ્હારા વ્હાલાજી આવ્યાની વધામણી જી રે; - આજની

હાંરે સોહાસેણ પૂરોની સાથિયા,
હાંરે ઘેર મલપતા આવે તે હરિ હાથીયા જી રે – આજની

હાંરે સખી આલેરા વાંસ અણાવીએ.
હાંરે મ્હારા વ્હાલાજીને મંડપ રચાવીએ જી રે; - આજની

હાંરે સોહાસેણ ચાર તેડાવીએ.
હાંરે મ્હારા વ્હાલાજીને મોતીડે વધાવીએ જી રે; આજની

હાંરે સોહાસેણ મળશે જે ઘડી,
હાંરે મ્હારા પ્રભુજી પધારે તે ઘડી જી રે; આજની

હાંરે મળ્યા દાસ ‘રાજે’ના સ્વામી ફાંકડા,
હાંરે હું તો મોહી રહી મૂછના આંકડા જી રે; આજની

- રાજે  ( જીવનઝાંખી)

સોહાસેણ -  સૌભાગ્યવતી સ્ત્રી




બ્રહ્માનંદ        

આ તનરંગ

આ તનરંગ પતંગ  સરીખો, જાતાં વાર  ન  લાગે જી;

અસંખ્ય ગયા ધનસંપત્તિ મેલી, તારી નજરું આગે જી. 

અંગે   તેલફુલેલ   લગાવે,   માથે   છોગાં   ઘાલે   જી;

જોબન-ધનનું  જોર  જણાવે,   છાતી  કાઢી ચાલે જી.

જેમ  ઉંદરડે  દારૂ  પીધો,  મસ્તાનો  થઈ  ડોલે  જી;

મગરૂરીમાં  અંગ  મરોડે, જેમતેમ  મુખથી  બોલે જી. 

મનમાં જાણે મુજ સરીખો, રસિયો નહીં કોઈ રાગી જી;

બહારે  તાકી  રહી  બિલાડી,  લેતાં વાર  ન  લાગે જી.    

આજકાલમાં   હું-તું   કરતાં,  જમડા  પકડી  જાશે  જી;

બ્રહ્માનંદ  કહે,  ચેત  અજ્ઞાની,  અંતે  ફજેતી  થાશે જી. 

  બ્રહ્માનંદ     


દયારામ

              

શ્યામ રંગ

           

શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.

જેમાં  કાળાશ   તે  તો  સૌ  એકસરખું,  સર્વમાં   કપટ   હશે  આવું….  મારે..

                

કસ્તુરી   કેરી   બિંદી   તો  કરું   નહીં,  કાજળ  ના આંખમાં   અંજાવું….  મારે…

                 

કોકિલાનો  શબ્દ હું  સુણું  નહીં  કાને,  કાગવાણી   શકુનમાં  ન  લાવું….  મારે…   

                    

નીલાંબર   કાળી  કંચુકી   ન   પહેરું,  જમનાનાં   નીરમાં  ન   ન્હાવું….  મારે…

                  

મરકતમણિ   ને  મેધ   દ્રષ્ટે   ના   જોવા,  જાંબુવંત્યાક    ના   ખાવું….  મારે…

               

દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે જે  ‘પલક ના  નિભાવું!’… મારે…

                        

દયારામ


નરસિંહ મહેતા

 

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,

જૂજવે રૂપે અનંત ભાસે

દેહમાં દેવ તું તેજમાં તત્વ તું,

શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે..

 

પવન તું, પાણી તું, ભૂધરા!

વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;

વિવિધ રચના કરી અનેક રસ લેવાને,

શિવ થકી જીવ થયો એજ આશે..

 

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,

કનક-કુંડળ વિશે ભેદ ન્હોયે,

ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં

અંતે તો હેમનું હેમ હોયે..

 

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી

જેહને જે ગમે તેને પૂજે

મન-વચન-કર્મથી આપ માની લહે,

સત્ય છે એજ મન એમ સૂઝે..

 

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,

જોઉં પટંતરો એજ પાસે,

ભણે નરસૈયો એ મન તણી શોધના,

પ્રીત કરૂં,  પેમથી પ્રગટ થાશે..

 

નરસિંહ મહેતા


વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે...(નરસિંહ મહેતા)

કૃષ્ણ-રાધા.... (પ્રિયકાંત મણિયાર)


હરિને ભજતાં

ગેમલ

હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

જેની સુરતા  શામળિયા સાથ,  વદે વેદ વાણી રે.

વહાલે  ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;

વિભીષણને  આપ્યું રાજ, રાવણ  સંહાર્યો રે.      હરિને…

વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;

ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે.    હરિને…

વહાલે મીરાં તે બાઈનાં વિખ હળાહળ પીધાં રે;

પંચાળીનાં  પૂર્યાં  ચીર,  પાંડવકામ  કીધાં  રે.       હરિને…

વહાલે આગે  સંતોનાં કામ, પૂરણ  કરિયાં રે;

ગુણ ગાય ગેમલ કરજોડ, હેતે દુ:ખ હરિયાં રે.    હરિને…

ગેમલ


હરિ વસે છે હરિના જનમાં

હરિ વસે છે હરિના જનમાં,

શું કરશો જઈ વનમાં… ટેક

ભેખ ધરીને તમે શીદ ભટકો છો,

પ્રભુ નથી વન કે અરણ્યમાં;

કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો,

પ્રભુ નથી પાણી કે પવનમાં… હરિ..

જોગ કરો ભલે જગન કરાવો,

પ્રભુ નથી વ્યોમ કે હવનમાં;

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર,

હરિ વસે છે હરિના જનમાં… હરિ..

મીરાંબાઈ


કહત કબીર

અધ્યાત્મ માર્ગના મુસાફરને એના ભોમિયા એવા ગુરુની અનિવાર્યતા વિશે સંત કબીર કહે છે…

                                                                                                        

ગુરુ બિન કૌન બતાવે બાટ ? બડા વિકટ યમઘાટ…

ભ્રાંતિ કી પહાડી  નદિયા બિચમેં  અહંકાર કી લાટ…

કામ  ક્રોધ  દો  પર્વત  ઠાડે   લોભ  ચોર  સંઘાત…  

મદ મત્સરકા મેહ બરસત  માયા પવન બહે  દાટ…

કહત કબીર સુનો ભાઈ સાધો, ક્યોં તરના યહ ઘાટ…   

                                                             

સંત કબીર


નરસિંહ મહેતા   

વૈષ્ણવ જન તો               

વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે... વૈષ્ણવ જન

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે... વૈષ્ણવ જન

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે... વૈષ્ણવ જન

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે... વૈષ્ણવ જન

વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે... વૈષ્ણવ જન

                           

નરસિંહ મહેતા