સુરેશ દલાલ (Kavi
Suresh Dalal)
ડૉ.વિવેક મનહર ટેલરના શબ્દોમાં----->
સુરેશ દલાલ (૧૧-૧૦-૧૯૩૨) શબ્દોના માણસ છે. અછાંદસ કવિતા,
બાળકાવ્યો, ગીત, ગઝલ,
સોનેટ-કવિતાના કોઈ અંગને એ સ્પર્શ્યા વિના રહ્યાં નથી. કવિતા જીવતો આ માણસ
ઊંમરની ઢળતી સંધ્યાએ પણ અવિરત કાર્યરત છે. કાવ્ય, નિબંધ, કટારલેખન,
વિવેચન, સંપાદન – શબ્દની એકેય ગલી એવી નથી જ્યાં એમણે સરળતા અને સહજતાથી
પગ ન મૂક્યો હોય. એમનાં નામ સાથે સંકળાયેલા પુસ્તકોની યાદી લખવા બેસીએ તો
પાનાંઓ ઓછા પડી જાય.એમના પોતાના શબ્દમાં કહીએ તો - "આ માણસ લખે છે, ઘણું
લખે છે. લખ-વા થયો હોય એમ લખે છે"
અનુભૂતિ
લીલ લપાઇ બેઠી જળને તળિયે;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ
!
કંપ્યું જળનું રેશમ પોત;
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ!
હળવે ઊતરે આખું વ્યોમ;
નેણને અણજાણી આ ભોમ
લખ લખ હીરા
ઝળકે તૃણ
તણી આંગળીએ!
- સુરેશ દલાલ
નામ લખી દઉં
ફૂલપાંદડી જેવી કોમળ
મત્ત પવનની આંગળીએથી
લાવ, નદીના પટ પર તારું નામ લખી દઉં!
અધીર થઈને કશુંક કહેવા
ઊડવા માટે આતુર એવા
પંખીની બે પાંખ સમા તવ હોઠ જરા જ્યાં ફરકે…
ત્યાં તો જો -
આ વ્હેતા ચાલ્યા અક્ષરમાં શો
તરંગની લયલીલાનો કલશોર મદીલો ધબકે…
વક્ષ ઉપરથી
સરી પડેલા છેડાને તું સરખો કરતાં
ઢળી પાંપણે ઊંચે જોતી
ત્યારે તારી માછલીઓની
મસ્તી શી બેફામ…
લાવ, નદીના તટ પર ઠામેઠામ લખી લઉં
તવ મેંદીરંગ્યા હાથ,
લાવને, મારું પણ ત્યાં નામ લખી દઉં!
સુરેશ દલાલ
જન્મ: ઓક્ટોબર 11, 1932