“ગરબો”

ઉદયન ઠક્કર

જલપરીઓનો ગરબો

જલપરીઓનું એવું, બાઇ જલપરીઓનું એવું:

ફરરર ફરરર તરવું, જાણે દરિયાનું પારેવું!

એક જલપરી વડવાનલની સ્મ્રુતિઓ જેવું હસતી

કદીક, એકલ રાતોમાં આંખેથી મોતી ઝરતી.

જલપરીઓનું એવું, બાઇ–

બિનવિશ્વાસુ, પીળી જલપરી, રાતના સાડા બારે

જુદા જુદા કોળી જવાનનાં સમણાંઓ શણગારે!

જલપરીઓનું એવું, બાઇ–

અળગી થ ઇ ટોળાથી, લીલી પરી વિચારે છાનું:

’શું છે આ દરિયો ને ટોળું? શું છે આ તરવાનું?’

જલપરીઓનું એવું, બાઇ–

છીપલું સમજી, તળિયે એણે નાખી દીધું જેને,

હતું રતન અણમોલ - એટલું સોનપરીને કહે ને !

જલપરીઓનું એવું, બાઇ–

શિશુવ્રુંદને જણે,  તરે, ને પરપોટાથી ખેલે..

એક જલપરી આવી રીતે જીવનને સંકેલે !

જલપરીઓનું એવું, બાઇ–

સુંદર પરીઓ ચાલી, સમદરતટ પર રમવા ગરબો,

વ્રુધ્ધ પરીના હ્રદયે, રૂમઝૂમ રાતે, સહેજ ઉઝરડો..

જલપરીઓનું એવું, બાઇ–

શ્વેત પરીને નદી-ડુંગરો જોવાના બહુ કોડ..

ચાલ, જલપરી ! જોવી હો દુનિયા, તો દરિયો છોડું !

ફરરર ફરરર તરવું, જાણે દરિયાનું પારેવું!

જલપરીઓનું એવું, બાઇ જલપરીઓનું એવું


નવલે નોરતે - રમેશ પટેલ ‘આકાશદીપ’

મા જગદંબાના ચરણમાં ભાવ વંદના સાથે, આવો ગરબો ઝીલીએ.

નવલે નોરતે

ગબ્બરના ટોચે, દિવડા ની જ્યોતે, ઝગમગે સોનેરી ગોખ
મા અંબાને ચરણે , ઘેલી ગુજરાત ગરબે રમતી રોજ

આભલા ચમકે, રંગી ચૂંદડીએ, ગઢ પાવાને વાટ
કુમકુમ પગલે, સુંદર સાથીઆ પૂર્યા માડીને દ્વાર

સંગીતના તાલે, ઝાંઝર ઝણકે, તાલીઓના રણકે તાલ
હીલોળા લેતાં હરખે હૈયાં, ભાવ સાગરને પાળ

ઘૂમતા રાસે ,નવલે નોરતે, મલકે ઉમળકો આજ
ચાંચર ચોકે, ધબૂકતે ઢોલે, ખીલી છે માઝમ રાત

અંગ અંગ મલકે, જોશે છલકે, વાગે ઢોલીડાના ઢોલ
લાલ શણગારે શોભે માડી, અપાર આનંદ અણમોલ

હીંચે હીંડોળે , ગબ્બર ગોખે, દેતાં મંગલ આશીષ
મા વરદાયીનીને ચરણે શરણે, ભાવે નમાવીએ શીશ

ભક્તોના હૈયે ભક્તિ છલકે, મલકે મુખલડે ઓપ
ગબ્બરના ટોચે દિવડાની જ્યોતે, ઝગમગે સોનેરી ગોખ

રમેશ પટેલ ‘આકાશદીપ’


માનો “ગરબો” - ડૉ. જગદીપ નાણાવટી

માનો “ગરબો”

રે માના ગરબામાં કેમ પડ્યા કાણાં
જાણે ગોળીઓથી હૈયા વિંધાણાં….રે માના ગરબામાં

પહેલી ગોળીએ માની આરતી પિંખાણી’તી
ડીસ્કોના ઠેર ઠેર ગાણાં…
બીજી ગોળીએ મૂકી ભક્તિને હોડમાં ને
શકુનીએ નાખ્યાતાં દાણા….રે માના ગરબામાં

ત્રીજી ગોળીએ લીધાં શ્રધ્ધાના પ્રાણ
જુઓ ઉભા લઈ ઝેર બધે રાણા…
ચોથી ગોળીએ માના વાહન ચોરાયા
બધે બાઈકુનાં ફૂંકણાં ગંધાણાં….રે માના ગરબામાં

પાંચમીએ ખોલ્યાતાં બિયરના બાર
ક્યાંય ભાળોના પરસાદી ભાણાં….
છઠ્ઠીએ ગભરૂઓ છેતરાણી સાવ
પછી લાગણીના જાળાં ગુંચવાણાં….રે માના ગરબામાં

સાતમીએ તોડ્યાતાં સપ્તકનાં તાર
સૂર ઘોંઘાટી કાનમાં ઘોળાણાં….
આઠમી અડપલાંના રૂપે અથડાય
કેમ મૂંગા છે સમજુ ને શાણાં….રે માના ગરબામાં

નવમી નચાવતી’તી નફ્ફટીયા નાચ
બધે બેશરમી ટોળા ઉભરાણાં…
દસમી ગોળીએ હણ્યાં રામનાં રખોપા
જીવ સહુનાં પડીકડે બંધાણાં….રે માના ગરબામાં

ખેલૈયા ખેલંતા ખેલ ભાતભાતનાં ને
ભક્તો તો સાવ રે નિમાણાં…
માતાજી કરજે સંહાર તુ અસૂર તણો
ખાશું સૌ ગોળ અને ધાણાં….રે માના ગરબામાં

ડૉ. જગદીપ નાણાવટી


ગરબો ગ્લોબલ (garabo global)

દિલીપ ર. પટેલ (Dilip R. Patel)

ગરબો ગ્લોબલ

મા તારો ગામઠી ગરબો આજ ભુંસાઈ ગયો બની ગ્લોબલ;

રમે ગરવો ગુજરાતી નવખંડ સંગ છેલછબીલી ગુજરાતણ.

નમણી નવરાતે  કંઠ કિલ્લોલે, કરે શક્તિનું નવ આરાધન;

તાલીઓના તાલે હૈયું હિલોળે, માણે ભક્તિહીન મનોરંજન.

ડી. જે., દાંડિયા, ડીસ્કો, રાસ;  મરોડે અંગ મહિલા મોડર્ન.

પરંપરા બની ગઈ સ્ટાઈલીસ પરિઘાને વસ્ત્રો બહુ વેસ્ટર્ન.

ફી ભરીને શીખે ગરબા બેઝ;  લચક લાવવા  લે પ્રશિક્ષણ.

દોઢિયા યા વેસ્ટર્ન ગરબા કે  અમદાવાદી  ગરબા ફ્યુઝન.

શેરી ગરબા હવે થતા બંધ ને ગ્રુપ ગરબાનું થયું વિસ્તરણ.

લ્હાણી આરતીનો ના ઉમંગ,અંતે એક્ટરનું ઈનામ વિતરણ.

નોરતા કાજે ટિકિટ નોતરાં !  ગરબા નામે કેવુંક ગાંડપણ?

જગદંબાનું ના કરે દર્શન,  નિરખે  નાચ નશાનું પ્રદર્શન.

ના અંબા અવસાદ પ્રભુ પ્રસાદ, અસ્મિતા રહિત જાગરણ.

ગરવો ગરબો લાગે વરવો, ગૂમ થઈ ક્યાં પેમલ પૂજારણ?

મા તારો ગામઠી ગરબો કાં ન ગુંજાઈ ગ્યો બની ગ્લોબલ?

દર્શન દે આજ દુર્ગા શક્તિ  શીખવ ભક્તિસભર આચરણ.

દિલીપ ર. પટેલ Dr Dilip Patel

ઓરેન્જ, કેલિફોર્નીયા